બનાસકાંઠ: કહેવાય છે કે, પોલીસ ધારે તે કરી બતાવે. આ વાતને બનાસકાંઠા પોલીસે સાબિત કરી બતાવ્યું છે. થરાદ પંથકમાં દારૂના વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓને પ્રવાહમાં જોડવા માટે અસામાજિક પ્રવૃત્તિથી નહીં પણ માનભેર રોજગારી મળી રહે તે માટેની વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડા અને થરાદ પોલીસ દ્વારા થરાદની 11 જેટલી મહિલાઓને કુટીર ઉદ્યોગ સાથે જોડીને નવી રાહ બતાવી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લો સરહદને અડીને આવેલો જિલ્લો છે. આ જિલ્લામાં અનેક પરિવારની મહિલાઓ દારૂના વેપાર સાથે જોડાયેલી છે. અને દારૂના વેપારથી પરિવારનું ગુજરાન ચલાવતી હોય છે. પરંતુ બનાસકાંઠામાં પોલીસ દ્વારા દારૂના વ્યસનને નાબૂદ કરવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે દારૂના વેપાર સાથે જોડાયેલી મહિલાઓને વેપારથી દૂર કરી અસામાજિક પ્રવૃત્તિથી નહીં પરંતુ માનભેર રોજગારી મેળવી રહે તે માટે જિલ્લા પોલીસવડાએ એક નવી રાહ બતાવી છે.
બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં દારૂના વેપાર સાથે જોડાયેલી મહિલાઓના ઉત્થાન માટે શરૂ કરેલી પહેલ અંતર્ગત 12 મહિલાઓને કુટીર ઉદ્યોગમાં જોડી હતી. જેમાં મહિલાઓને ભરતગુંથણની તાલિમ આપવામાં આવી રહી છે. અહીં જોડાતા તેઓએ સ્કીલ અપગ્રેડેશનની તાલીમ લેવાની શરૂઆત પણ કરી દીધી છે.
25થી વધુ મહિલાઓને અપાઈ તાલીમ: તાજેતરમાં જ થરાદના શિવનગરમાં જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની ઉપસ્થિતિમાં યોજાયેલા સંસ્કાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢ દ્વારા તાલીમ શિબિરનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં થરાદની 25 થી વધુ મહિલાઓને 15 દિવસની તાલીમ અપાશે. થરાદના જ વિષ્ણુભાઈ સુથાર દ્વારા આ મહિલાઓને તાલીમ આપી પેચ વર્ક અને શિવણકામ શીખવાડવામાં આવશે. તાલીમાર્થી બહેનોને રોજ 300 નો સ્ટાઈપેન્ડ પણ પોલીસ દ્વારા ચૂકવવામાં આવી રહ્યો છે.
થરાદ ડિ.વાય.એસ.પી. એસ એમ વારોતરીયા એ જણાવ્યું હતું કે થરાદ વિસ્તારની જે મહિલાઓ દારૂના ધંધા સાથે સંકળાયેલી હતી. તે ધંધો બંધ કરી અને સમાજમાં માનભેર રોજગારી મળી રહે અને થરાદ વિસ્તારની 10-12 મહિલાઓને સિલાઈ મશીન મળી રહે તે માટેની કાર્યવાહી પણ કરવામાં આવી છે. જેમાં ત્રણ બહેનોને સિલાઈ મશીન પણ આપી દેવામાં આવ્યા છે અને સમાજમાં માનભેર રહી શકે અને આવા દારૂના ધંધા બંધ કરી કુટીર ઉદ્યોગ સાથે જોડીને માનભેર રોજગારી મળી રહે તે માટે તાલીમ આપવામાં આવી રહી છે.