બનાસકાંઠા : લગ્ન કરી સાસરે જતી દીકરીની વિદાય જેવા જ દ્રશ્યો હાલ થરાદ તાલુકાના પઠામડા ગામની શાળામાં સર્જાયા હતા. પઠામડા શાળાના ત્રણ શિક્ષિકાની બદલી થતા શાળામાં વિદાય સમારોહ યોજાયો હતો. આ તકે શાળા પરિવારના શિક્ષકો સાથે વાલીઓ પણ આંખના આંસુ રોકી ન શક્યા. બીજી તરફ બાળકો તો જાણે પોતાની માં ને વળગી પડે એમ ત્રણ શિક્ષિકાને ભેટીને રડી પડ્યા હતા.
શિક્ષકોનો વિદાય સમારોહ : થરાદ તાલુકાની પઠામડા શાળામાં જાગૃતિબેન પંડ્યા, નેહાબેન પટેલ અને વિદ્યાબેન પરમારે શાળામાં દશકો પસાર કરી હવે વિદાય થઈ રહ્યા છે. વિદાયની વેળા ગંભીર હોય છે. બાળકો તો રડ્યા પણ આ ત્રણ શિક્ષિકા સ્ટાફરૂમ છોડવા તૈયાર જ નહોતી. કારણ કે શાળા સાથે આત્મીયતાનો સંબંધ હતો. છતાં નોકરીના નિયમ મુજબ શાળા પરિવારે ભારે હૃદય સાથે ત્રણેય શિક્ષિકાઓને વિદાય આપી અને એમના ઉજ્જવળ જીવનની શુભેચ્છા આપી હતી.
ચોધાર આંસુએ રડ્યા બાળકો : શાળાના કુલ વિદ્યાર્થીઓમાં 60 ટકા દીકરીઓ છે. જે આ બહેનોને આભારી છે. પછાત ગણાતા ગામમાં આટલી મોટી સંખ્યા દીકરીઓ હોવી એ કોઈ નાની મોટી વાત નથી. શાળા અને ગામ સાથે દિલના સંબંધ રાખતા ત્રણેય શિક્ષિકાએ શાળાના બાળકોને પોતાના બાળકો સમજીને રાખ્યા હતા. ભણવામાં નબળા બાળકો માટે અલગ શિક્ષણ આપીને બાળકોના ભવિષ્યની ચિંતા આ ત્રણ શિક્ષિકા કરતા હતા.
બાળકો રાત્રે ભૂખ્યા સુઈ ગયા : વિદાય બાદ બાળકો રડતા રડતા ઘરે ગયા અને મોટાભાગના બાળકો રાત્રે જમ્યા પણ નહોતો. કારણ કે શિક્ષકો તો નવા પણ આવશે પણ જેની સાથે લાગણી બંધાઈ હતી એ પોતાના લાડકા ગુરુ ક્યાંથી આવશે, એ સવાલ સવા મણનો બની ગયો છે. પઠામડા શાળાના દ્રશ્યો જ કહી જાય છે કે નોકરી કરવા ખાતર કરવા કરતા દિલથી નોકરી કરવામાં આવે તો જ આવી વિદાય શક્ય બને છે.