જૂનાગઢ : જૂનાગઢના કીર્તિકુમાર જસાણી અને બિપિનભાઈ ભટ્ટે આજના યુગમાં કલ્પી ન શકાય તે પ્રકારનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. વર્ષ 1974 થી ભાડુઆત તરીકે મિલકતનો કબજો ધરાવતા આ બંને ભાડુઆતોએ કરોડોની કિંમતની આ મિલકત મૂળ માલિક ફિરોઝ ખાનને એક સેકન્ડમાં પરત કરીને એક આદર્શ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. આજના સમયમાં સારા ભાડુઆત મળવા ખૂબ મુશ્કેલ છે, પરંતુ જૂનાગઢના જસાણી અને ભટ્ટ પરિવારે આ તમામ માન્યતાને ખોટી પાડીને એક સર્વોત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
નિષ્ઠાવાન ભાડુઆત : જૂનાગઢના કીર્તિકુમાર જસાણી અને બિપિનભાઈ ભટ્ટ આજે જૂનાગઢને એક અદકેરુ માન અને સન્માન અપાવ્યું છે. વર્ષ 1974 થી તેમના કબજામાં રહેલી કરોડો રૂપિયાની મિલકત આજે મૂળ માલિક ફિરોઝ ખાનને પરત કરીને જૂનાગઢના ઇતિહાસમાં નોંધી શકાય તેવું આદર્શ અને ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. આજના આ સમયમાં લોકો આર્થિક સુખ-સુવિધા અને ખાસ કરીને રૂપિયા પાછળ સમાધાન કરવા માટે તૈયાર હોતા નથી. પરંતુ કીર્તિકુમાર જસાણી અને બિપિનભાઈ ભટ્ટે જુના ભાડુઆત તરીકે મિલકતનો તમામ કબજો આજે મૂળ માલિકને પરત કર્યો છે.
50 વર્ષથી ભાડુઆત તરીકે કબજો : કીર્તિકુમાર જસાણી અને બીપીનભાઈ ભટ્ટ જૂનાગઢના અજંતા ટોકીઝ વિસ્તારમાં બુકર ફળિયામાં આવેલા ફિરોઝ ખાનની મૂળ માલિકીની જગ્યામાં 1974 થી ભાડુઆત હતા. આ બંને ભાડું અહીં કોલસાની લાટી અને પ્રિન્ટિંગ પ્રેસ ચલાવી રહ્યા હતા. તેઓ પ્રતિ મહિના 140 રૂપિયા લેખે ભાડુઆત તરીકે ગઈકાલ સુધી ભાડું પણ ચૂકવતા હતા. આજે તે જ મિલકત મૂળ માલિક ફિરોઝ ખાનને પરત આપી છે. જેની બજાર કિંમત આજના સમયમાં કરોડો રૂપિયા થાય છે. એક પણ રૂપિયો લીધા વિના તમામ મિલકત મૂળ માલિકને પરત કરી આ ભાડુઆતોએ પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
જૂનાગઢના ઈતિહાસમાં અમર કિસ્સો : કીર્તિકુમાર જસાણી અને બીપીનભાઈ ભટ્ટનું આજે મિલકતના મૂળ માલિક ફિરોઝ ખાન અને તેમના પરિવારે સન્માન કર્યું હતું. આજના સમયે મિલકતને લઈને કાયદાકીય લડાઈ ખૂબ થતી હોય છે. પરિવારમાં પણ મિલકતને લઈને ઝઘડા થતા જોવા મળે છે. તેની વચ્ચે આજના સમયમાં આ બંને ભાડુઆતોએ તમામ પ્રકારની ધારણાને ખોટી પાડીને આ મિલકત મૂળ માલિકને પરત કરીને જૂનાગઢને ફરી એક વખત ઇતિહાસ લખવા માટે મજબૂર કર્યો છે.