કચ્છ: લખપત તાલુકાના દયાપર હાઈવે પાસે આવેલ ટેકરી પરના ખાટલા ભવાની મંદિરના પુજરીએ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કર્યું હતુ, જેને પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી વિરૂદ્ધ દયાપર પોલીસ સ્ટેશન ખાતે NDPS એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
માદક પદાર્થોના સેવન અને હેરફેર પર રોક લગાવવા કામગીરી: ગુજરાત એ.ટી.એસના માર્ગદર્શન હેઠળ કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિને નાબૂદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને રોકવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવી છે. ત્યારે લોકસભા ચુંટણી અંતગર્ત આદર્શ આચારસંહિતા અમલમાં હોય NDPSની પ્રવૃતિ સાથે સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પૂજારીએ મંદિર પરિસરમાં ગાંજાના છોડ વાવ્યા: SOGના એ.એસ.આઇ. માણેકભાઇ રાજીયાભાઇ ગઢવીને ખાનગી બાતમી મળી હતી કે મંદિરના પૂજારીએ ગાંજાના છોડનું વાવેતર કર્યું છે. બાતમીના આધારે રેડ પાડીને દયાપર હાઈવે પાસે આવેલ ટેકરી પરના ખાટલા ભવાની મંદિરના પૂજારી મૂળ મહેસાણાના 34 વર્ષીય ચિંતનકુમાર ઇન્દ્રકુમાર પટેલને ઝડપી પાડ્યો હતો. તેના કબ્જામાંથી ગેરકાયદેસર વાવેતર કરેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના 4 છોડ મળી આવ્યા છે, જેનું વજન 3.680 કિલોગ્રામ છે.
દયાપર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો: પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ દ્વારા આરોપીના કબ્જામાંથી કુલ 36,800નો નાર્કોટીકસનો મુદામાલ, તેમજ 3000ની કિંમતનો મોબાઈલ મળીને કુલ 39,800નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ દયાપર પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.