જૂનાગઢ : ઉનાળું વેકેશન બાદ આવતીકાલથી તમામ સરકારી શાળાઓ શરૂ થશે. વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શાળામાં પ્રવેશ કરે માટે જૂનાગઢની કન્યા શાળા નં. 4 દ્વારા ખાસ પહેલ કરવામાં આવી છે. શાળાના તમામ શિક્ષકોએ સ્વંય શાળામાં સ્વચ્છતા અભિયાન શરુ કર્યું અને સફાઈનું શ્રમદાન કરીને શિક્ષણના પહેલા અધ્યાયને પૂર્ણ કર્યો છે.
શિક્ષણ પૂર્વે સ્વચ્છતા અભિયાન : આવતીકાલથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જૂનાગઢની પ્રધાનમંત્રી શ્રી મોડેલ શાળાના શિક્ષકોએ શિક્ષણ કાર્ય શરૂ થાય તે પૂર્વે જ શાળામાં સ્વયં સફાઈ મહા અભિયાન શરૂ કર્યું છે. સામાન્ય રીતે વેકેશન ખુલ્યા બાદ શાળાની સફાઈ થતી હોય છે, પરંતુ કન્યા શાળા નંબર 4 માં વેકેશન ખુલતા પૂર્વે જ સમગ્ર શાળા અને કેમ્પસની સફાઈ થાય તે માટે શિક્ષકો સફાઈ મહાયજ્ઞમાં શ્રમદાન આપી રહ્યા છે.
સફાઈ મહા અભિયાન : પાછલા આઠ વર્ષથી કન્યા શાળા નંબર 4 ના તમામ શિક્ષકો સ્વયં વેકેશન બાદ શાળા ખુલતા પૂર્વે શ્રમદાન થકી શિક્ષણના મંદિર સમાન શાળા અને સમગ્ર પરિસરને એકદમ ચોખ્ખું ચણાક કરે છે. શાળાનો પ્રથમ દિવસ વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતાની સાથે શિક્ષણ પ્રાપ્ત કરવાનો હેતુ પૂર્ણ થાય તે માટે પણ શાળાના મુખ્ય શિક્ષક અને શિક્ષકો શ્રમદાન થકી સફાઈને પૂર્ણ કરી રહ્યા છે.
વાલીઓએ આપ્યો સહયોગ : સફાઈ અભિયાનમાં કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ તેમની સ્વયં ઈચ્છા થકી જોડાય છે અને શાળાના શિક્ષકો દ્વારા શરૂ કરવામાં આવેલા મહા અભિયાનને તેમનું સમર્થન પણ આપે છે. આમ સૌએ સાથે મળીને શિક્ષણના પહેલા અધ્યાય સમાન સ્વચ્છતાને પ્રાથમિકતા આપી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.