જૂનાગઢ: શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ બનેલા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો આજે જન્મદિવસ છે તેના માનમાં સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે જૂનાગઢની કન્યાશાળા નંબર ચાર આજથી એક નવી પહેલ કરવા જઈ રહી છે. આ શાળામાં ફક્ત પાંચ સપ્ટેમ્બરના દિવસે જ નહીં પરંતુ વર્ષના 12 મહિના દરમિયાન એક વખત શિક્ષક દિવસની ઉજવણી કરવાનું આયોજન થયું છે. વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાની સાથે એક વિદ્યાર્થી ઉત્તમ નાગરિક બનીને શાળામાંથી બહાર નીકળે તે માટે પણ વર્ષમાં એક વખત નહીં પરંતુ 12 વખત શિક્ષક દિવસ ઉજવવાનું આયોજન થયું છે.
શિક્ષક દિવસને લઈને કરાયું આગવું આયોજન: ભારતના શિક્ષક રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને લઈને આજે સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે. વર્ષમાં એક વખત દેશની તમામ શાળાઓમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષક બનીને વિદ્યાર્થીની સાથે શિક્ષકની જવાબદારી શું હોઈ શકે તેનો જાત અનુભવ મળે તે માટે પણ શિક્ષક દિવસની ઉજવણી કરાઈ રહી છે. પરંતુ જૂનાગઢની પીએમ શ્રી કન્યા શાળા નંબર ચાર આજથી એક નવું અને આગવું આયોજન શરૂ કરવા જઈ રહી છે વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત શાળા આ પ્રકારનું કોન્સેપ્ટ સરકારી પ્રાથમિક શાળામાં કદાચ સમગ્ર રાજ્યમાં પ્રથમ હશે.
વર્ષમાં 12 વખત વિદ્યાર્થીઓ બનશે શિક્ષક: પ્રધાનમંત્રી કન્યા શાળા નંબર ચારના વિદ્યાર્થીઓને હવે દર મહિને એક વખત શાળાના શિક્ષકથી લઈને આચાર્ય અને શાળાની શૈક્ષણિક ગતિવિધિ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓના કામનો અનુભવ મળે તે માટે મહિનામાં એક વખત આ પ્રકારે વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર શાળાનું સંચાલન કે જેમાં શિક્ષણ પણ આવી જાય તેવું આયોજન કરાયું છે.
આ આયોજનનો ઉદ્દેશ્ય એ રાખવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓ શિક્ષકની સાથે શાળાની તમામ શૈક્ષણિક ગતિવિધિઓ કે જેની સાથે શાળાના આચાર્યો શિક્ષકો અને અન્ય સહાયક કર્મચારીઓ જોડાયેલા છે તેનો જાત અનુભવ મેળવે. કઈ રીતે શાળામાં શિક્ષણની સાથે અન્ય ગતિવિધિ અને સરકારી કામો થતા હોય છે. તેનો ભાગ સ્વયમ વિદ્યાર્થીઓ શાળા કક્ષાએથી જ અનુભવ કરતા થાય તે માટે પ્રત્યેક મહિને એક વખત એમ વર્ષમાં 12 વખત શિક્ષક દિવસની ઉજવણી કરવાનું આયોજન શાળા દ્વારા કરાયું છે. જેને શાળામાં અભ્યાસ કરતા અને એક દિવસ માટે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ હોંશભેર આવકાર્યું છે.