તાપી : તાપી જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ જામ્યું છે. હવે સોનગઢ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં દક્ષિણ સોનગઢના ધૂટવેલ, મશાંનપાડા, ટાપરવાડા સહિત આજુબાજુના ગામોમાં વહેલી સવારથી વરસાદી ઝાપટા પડયા હતા. કમોસમી વરસાદ વરસતા ખેડૂતો અને સ્થાનિકો ચિંતામાં મુકાયા હતા.
કમોસમી વરસાદ : તાપી જિલ્લો ખેતી પર નિર્ભર જિલ્લો છે. અહીં મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે અને ખેતી જ તેમનો જીવનનો આધાર છે. ત્યારે કમોસમી વરસાદ અહીંના ખેડૂતોને નુકસાન પહોંચાડશે તેવી ચિંતા ખેડૂતો કરી રહ્યા છે. તાપી જિલ્લામાં ખેડૂતો ભીંડા વધુ ઉછેરે છે, તેમાંથી તેઓ દર બે દિવસના આત્રે ભીંડા ઉતારે છે. વરસાદ વરસતા ભીંડાના પાક સાથે બીજા પણ પાક બગડશે.
સ્થાનિક લોકોએ મજા માણી : કમોસમી વરસાદ વરસતા કેટલાક લોકોએ વરસાદની મજા પણ માણી હતી. કડકતી ગરમી વચ્ચે વરસાદ આવવાથી સ્થાનિક લોકોને રાહત પણ પહોંચી છે. ત્યારે વરસાદ વરસતા લોકો પોતાના ઘરની બહાર નીકળી વરસાદમાં ભીંજાયા પણ હતા.
ખેડૂતો પર ચિંતાનું આભ : સોનગઢના સ્થાનિક રહેવાસી ગણેશભાઈ ગુજ્જરે જણાવ્યું હતું કે, સોનગઢમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને સોનગઢ સહિત આજુબાજુના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. ગરમીથી રાહત તો થઈ છે પરંતુ ખેડૂતો માટે આ કમોસમી વરસાદ ચિંતાનો વિષય બન્યો છે. વહેલી સવારે વરસાદ વરસવાથી ખૂબ સારું લાગ્યું, પરંતુ આ કમોસમી વરસાદ ખેડૂતોને નુકસાન પહોંચાડીને ગયો હશે તે પ્રત્યે દુઃખ પણ વ્યક્ત કરું છું.