અમદાવાદ: સરખેજ પોલીસે તાંત્રિક વિધિ કરી લોકો પાસેથી પૈસા પડાવતા 42 વર્ષીય આરોપી ભુવા નવલસિંહ ચાવડાને પાંચ દિવસ પહેલા ઝડપી પાડ્યો હતો. રિમાન્ડ દરમિયાન પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી નવલસિંહનું આજે રવિવારે શંકાસ્પદ મોત નીપજ્યું છે.
12 લોકોની હત્યા કર્યાની કબુલાત
મળતી માહિતી મુજબ, પોલીસ સમક્ષ કબૂલાત દરમિયાન ભુવા નવલસિંહની તબિયત લથડી હતી. લોક-અપમાં તેને ઉલ્ટી થયા બાદ તે ઢળી પડ્યો હતો, અને તેનું મોત થયું હતું. પોલીસે દાવો કરતા જણાવ્યું હતું કે આરોપી નવલસિંહ ભુવાએ પૂછપરછ દરમિયાન અત્યાર સુધીમાં 12 લોકોની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
10 ડિસેમ્બર સુધી હતો પોલીસ રિમાન્ડ પર
નોંધનીય છે કે, આરોપી ચાવડાને તેની ગુપ્ત પ્રવૃત્તિઓ અને માનવ બલિમાં સંભવિત સંડોવણી અંગે વધુ તપાસ માટે પોલીસે તેને 10 ડિસેમ્બરના બપોરે 3 વાગ્યા સુધી પોલીસ રિમાન્ડ પર લીધો હતો.
પોલીસ કસ્ટડીમાં ભુવાનું ભેદી મોત
તાંત્રિક વિધિ કરી લોકો સાથે છેતરપિંડી આચરતા આરોપી ભુવા નવલસિંહ ચાવડા દ્વારા એક કા ચાર કરી આપવાની લાલચે એક ફેક્ટરીના માલિક સાથે ષડયંત્ર રચ્યું હતું. ફેક્ટરીના માલિકને તાંત્રિક વિધિના નામે કથિત ઝેરી કેમિકલ યુક્ત પીણું પીવડાવીને તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ આરોપી ખુદને મહાણી મેલડી માતાનો ભૂવો કહેતો હતો. આરોપીએ તાંત્રિક વિધિના નામે ફેક્ટરીના માલિકને લૂંટી લીધો હતો અને બાદમાં તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગત 3 ડિસેમ્બરના રોજ સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે.ધૂળિયા અને તેમની ટીમ સમયસર પહોંચી જતા ફેક્ટરીના માલિકને બચાવી લેવામાં આવ્યો હતો.
કેવી રીતે આપતો હત્યાને અંજામ ?
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામમાં રહેતા નવલસિંહ ભુવા દ્વારા તાં ત્રાંત્રિક વિધિઓમાં એકના ચાર ગણા પૈસાની લાલચ આપી લોકોને ભોળવી અને તેમને વિધિના નામે દારૂ કે પાણી સોડિયમ નાઈટ્રેટ ભેળવી અને મોતને ઘાટ ઉતારતો હતો અને ત્યારબાદ તેઓના ઘરેણા, પૈસા લૂંટી અને ફરાર થઈ જતો હતો. મૃતક ભુવા નવલસિંહના પરિવારમાં બે દીકરી અને એક પુત્ર હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે, મૃત્યું પહેલાં ભુવા નવલસિંહે બાર વ્યક્તિઓની હત્યા કર્યાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી, તેમજ સોડિયમ નાઈટ્રીટ સુરેન્દ્રનગરની કિરણ લેબોરેટરી માંથી ખરીદતો હોવાની પણ કબુલાત કરી હતી.