ભાવનગર: શહેરમાં મહાનગરપાલિકા દ્વારા રસ્તાને નડતરરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે ત્યારે શિવાજી સર્કલમાં રસ્તાથી દૂર ખુલ્લા પ્લોટમાં આવેલા બજરંગદાસ બાપાના મંદિરને ધરાશાઈ કરી દેતા સ્થાનિક ભક્તોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. કહેવાય છે ભાજપના નેતાઓની જ બેઠક મંદિર હતું અને તેમાં ફાળો પણ હતો. ભાજપના સત્તાધીશો કોઈ કશું બોલવા તૈયાર નથી, તો વિપક્ષે પ્રહાર કરવામાં બાકી નથી રાખ્યું. સ્થાનિકોએ પણ રોષ ઠાલવ્યો છે. જુઓ અહેવાલમાં.
મંદિર દબાણમાં હોવાનું કહીને હટાવતા સ્થાનિક લોકોમાં રોષ: શિવાજી સર્કલનું બજરંગદાસ બાપાના મંદિર ધરાશાયી બાદ ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા અનેક નાના-મોટા રસ્તાને અડચણરૂપ મંદિરો હટાવી દેવામાં આવતા હોય છે. પરંતુ શિવાજી સર્કલમાં રસ્તા છેડે ખુલ્લા પ્લોટમાં આવેલું મંદિર દબાણમાં હોવાનું કહીને મહાનગરપાલિકાએ હટાવતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. મંદિરમાં ફાળો આપનાર પોપટભાઈ ચુડાસમા જણાવ્યું હતું કે 50 વર્ષ પહેલાં મંદિરની સ્થાપના થયેલી છે. પેલા નાની એવી મઢી હતી. પછી મઢીમાંથી મોટું મંદિર બનાવ્યું અને લોકોના ફાળાથી જ આ મંદિર બનાવેલું છે. કોઈએ લાખ રૂપિયા નથી આપ્યા અને મનજી બાપાના હસ્તક પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે. મૂર્તિ અમે આઈ ના જ બેસીને બનાવી છે આરસની રાજસ્થાનથી પથ્થર લાવીને. અને આટલા વર્ષ સુધી આ લોકોએ કાંઈ, અને મ્યુન્સિપાલિટી વાળા કે અમારી જગ્યા છે અને પાડી દીધું. અત્યારે તમે મંદિરને જોઈ શકો છો. રામના નામે મત મેળવે પણ અત્યારે મઢી તોડી નાખી. કારણ કે કોર્પોરેટરથી માંડીને ધારાસભ્ય, મિનિસ્ટરો અહીંયા બેઠતા,પરસોત્તમભાઈ બેઠતા, હરુભાઈ ગોંડલીયા બેઠતા, મહેન્દ્રભાઈ ગૃહ પ્રધાન થયા ઇ બેઠતા અને એના બધાના હસ્તક જ આ થયેલું છે. આ ભાજપના બધા નેતાના હસ્તક જ બનેલું, મેં મંદિરનું શીખર બનાવેલું છે.હું કડીયા કામ કરૂં છું મોટા મોટા લોકોનો ફાળો હોઈ ત્યારે અમે શુ કરી શકીએ મ્યુન્સિપાલિટીના સાહેબો પોલીસ પાર્ટી લઈને આવ્યા અને પાડી દીધું.
મહાનગરપાલિકાના મેયરે મૌન સેવ્યું, મંદિર વિશે મૌન: ભાવનગર મહાનગરપાલિકાના મેયરની મુલાકાત કરી ETV BHARATએ મંદિર મુદ્દે ઇન્ટરવ્યુની વાત કરી તો મેયરે મંદિર કે ધર્મ વિશે કંઈ નહિ બોલું, તો જાવ ઇન્ટરવ્યૂ નહિ મળે, જે લખવું ઇ લખો તેવો મૌખિક જવાબ આપી દીધો. આમ છતાં દબાણના આંકડા મુદ્દે મેયર ભરતભાઇ બારડ સાથે વાતચીત કરી અને અંતે મેયર ભરતભાઇ બારડે જણાવ્યું હતું કે, ગયા વર્ષે 2023/24 માં મહાનગરપાલિકામાં નાના મોટા 11,200 જેટલા દબાણો હટાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આ છેલ્લા બે મહિનામાં પણ 1,600 જેટલા દબાણ હટાવવામાં આવ્યા છે. મેયરે હાથ ઊંચા કર્યા પણ હાજર દબાણ વિભાગના અધિકારીએ મૌખિક જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે રોડને નડતર ધાર્મિક દબાણો હટાવવા.
વિપક્ષે માર્યા ચાબખા કે રામના નામે માત્ર મત લેવામાં આવે છે: વિપક્ષમાં રહેલી કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી શહેરમાં અનેક મંદિરો પડવા છતાં પણ કોઈ કાર્યક્રમ કે વિરોધ નોંધાવી શકી નથી. ત્યારે ETV BHARATએ વિપક્ષના નેતા કહેવાતા જયદેવસિંહ ગોહિલ સાથે વાતચીત કરી હતી. એડવોકેટ અને ભાવનગર શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ જયદેવસિંહ ગોહિલ જણાવ્યું હતું કે જો સૌપ્રથમ તો એ રસ્તામાં આવતી નથી. પહેલી જ વાત ત્યાંથી કોઈ રસ્તો પસાર જ નથી થતો. તમે મઢૂલી જોઇ હશે ત્યાં કોઈ રસ્તો પસાર થતો નથી. ત્યાંના જુના સાંસદો, ધારાસભ્યો એ બધાએ ફંડ ફાળો કરીને ત્યાં મંદિર ઉભુ કર્યું હતું, પણ એ ફંડ ફાળાની અંદર ત્યાંના નાના નાના જે મધ્યમ વર્ગના 25 વારીયાના જે ગરીબ લોકો છે એ લોકો પોતાનું આસ્થા ઉભી કરવા માટે ધર્મના નામે લોકોએ ફાળો આપીને મંદિર ઊભુ કર્યું હતું અને રહી વાત સુપ્રીમ કોર્ટની કે ભાઈ જ્યાં જ્યાં રસ્તો આવતો હોય ત્યાં તમામ મંદિરો પાડી દેવા. હવે હું તમને વાત કહું ખાલી મંદિર પાડવાની વાત નથી ધર્મસ્થળ પાડવાની વાત નથી થઈ. ખાલી નારી ચોકડીથી અહીંયા પોસ્ટ ઓફિસ સુધી આવો તો રસ્તામાં કેટલા ગેરકાયદેસર બાંધકામો છે. બિલ્ડીંગો ઊભા કર્યા છે એના પુરાવા છે. ઘણા કોમન પ્લોટમાં હીરાના મોટા કારખાના ઉભા કરી દેવામાં આવ્યા છે. માત્ર મંદિર નડે છે અને જ્યારે ચૂંટણી આવે ત્યારે ધર્મના નામ ઉપર મત લેવામાં આવે છે.