રાજકોટ: ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે પાસે આવેલ એક કારખાનામાંથી માનવ કંકાલ મળી આવ્યું હતું, તેમાં આ માનવ કંકાલ મળ્યા બાદ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસના ધંધમાં શરૂ કર્યા હતા. આ માનવ કંકાલ અંગેની તપાસ કર્યા બાદ મહિલાનું માનવ કંકાલ હતું તેવો ખુલાસો થયો હતો. જેમાં નવ માસ પૂર્વેની મર્ડર મિસ્ટ્રીનો પોલીસે ભેદ ઉકેલી મૃતક મહિલાના પતિ અને પતિના નાના ભાઈની ધરપકડ કરી છે. રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે હત્યામાં પકડાયેલ બંને ભાઈઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે હત્યારા ભાઈઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, મૃતકને સંતાનમાં એક સાત વર્ષનો પુત્ર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પુત્ર વારંવાર પૂછતો કે મા કયા છે? તો હત્યારો પિતા ખોટું બોલી કહેતો કે દિલ્હી તારી માસીના ઘરે છે. બન્ને ભાઈએ હત્યા કરી લાશ કારખાનામાં દાટી યુપી જતા રહ્યા હતા.
LCBએ શકમંદને ઉઠાવી પૂછપરછ કરી: પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ આ કંકાલ મહિલાનું હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ રાજકોટ ગ્રામ્ય LCBએ શકમંદને ઉઠાવી પૂછપરછ કરતા મહિલાની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો, અને આ હત્યા બીજા કોઈએ નહીં પણ તેના જ પતિ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યાંથી માનવ કંકાલ મળ્યું એ કારખાનામાં જ અગાઉ કામ કરતા વિપિન યાદવે ઘરકંકાસથી કંટાળી તેના ભાઈ સૌરભસિંઘ સાથે મળી હત્યા નિપજાવી લાશ દાટી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે પોલીસે હાલ બન્ને વ્યક્તિઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
6 મહિના પહેલાં જ મોત થઈ ગયું હોવાનું સામે આવ્યું: ગઇ તારીખ 6 ઓગસ્ટ 2024 ના રોજ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે સાંકડી રોડ પર આવેલા બંધ કારખાનામા સાફસફાઇ દરમિયાન કારખાના અંદર કુંડીમાં માનવ ખોપરી દાટેલી હોવાની હકીકત મળતા ધોરાજી તાલુકા પોલીસે તપાસ કરી હતી. પોલીસે કારખાનાની કુંડીમાં માનવ કંકાલ દટાયેલું હોવાની જાણ થતા માનવ કંકાલનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી તપાસ શરૂ કરી હતી. જેના પ્રાથમિક તારણમાં સામે આવ્યું હતું કે, આ માનવ કંકાલ 25 થી 35 વર્ષની સ્ત્રીનું અને 6 મહિના પહેલાં જ મોત થઈ ગયું હોવાનું સામે આવ્યું હતું.
જગ્યાનું પંચનામું કરી તપાસ શરૂ કરવામાં આવી: પોલીસને જ્યાંથી માનવ કંકાલ મળી આવ્યું તે જગ્યાનું પંચનામું કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસમાં રાજકોટ ગ્રામ્ય LCB અને SOG તથા ધોરાજી સિટી તેમજ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા. આ પોલીસ તપાસમાં માનવ કંકાલ તથા ખોપરી નાની પરબડી ગામે સાંકળી રોડ પર આવેલા કારખાનામાં અગાઉ નોકરી કરતા વિપિન યાદવની પત્ની રેશ્માદેવી ઉર્ફે સાયરા ઉર્ફે શાંતિ યાદવની હોવાનું અને તેની હત્યા થઈ હોવા અંગેના સાંયોગિક પુરાવાઓ મળી આવ્યા હતા.
રેશ્માદેવી ઉર્ફ સાયરા ઉર્ફે શાંતિ સાથે ઘરકંકાસ થતો હતો: આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સૌ પ્રથમ શકમંદ મૃતકના પતિ વિપિન યાદવ તથા તેના ભાઇ સૌરભસિંઘને ટેક્નિકલ સર્વેલન્સ તથા બાતમીદારોના આધારે ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લાના ભરથાના તાલુકાના નગલાદયા ગામેથી પકડી પાડી પૂછપરછ કરી હતી. જેમાં મૃતકના પતિએ ગલ્લાંતલ્લાં કરતા આ બન્નેની આકરી પૂછપરછ કરી હતી. જેથી બન્ને ભાઈ ભાંગી પડ્યા હતા અને તેમણે સ્વીકાર્યું કે, આજથી નવેક મહિના પહેલાં ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે આરોપી વિપિન યાદવને પોતાની પત્ની રેશ્માદેવી ઉર્ફ સાયરા ઉર્ફે શાંતિ સાથે ઘરકંકાસ થતો હતો.
પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું: વિપિન દરરોજ પોતાને તથા પોતાના ભાઈ સૌરભસિંઘ યાદવને થતી પજવણીથી કાયમી છુટકારો મેળવવા માગતો હતો. જેથી બન્નેએ રેશ્માદેવીનું ઢીમ ઢાળી દેવા પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું. આ વિપિને તેના બાળક આરૂષને શાળાએ મોકલી તથા આ કારખાના કમ્પાઉન્ડ આસપાસ કોઇ વ્યક્તિ હાજર નથી તેની સૌરભસિંઘ યાદવ પાસે ખાતરી કરાવી લીધી ત્યાર બાદ વિપિન તેમજ સૌરભસિંઘ યાદવે સંચા પર બેસી કામ કરતી રેશ્માદેવી ઉર્ફ સાયરા ઉર્ફ શાંતિને વિપિને દુપટ્ટાથી ગળેટૂંપો આપ્યો અને મૃત્યુ ન પામે ત્યાં સુધી સૌરભસિંઘે મોઢું દબાવી રાખ્યું.તેમજ આરોપીઓએ પોતાના દ્વારા કરવામાં આવેલી હત્યાના ગુનાને છુપાવવા માટે કારખાના શેડ પાસે આવેલી કુંડીમાં લાશને ફેંકી તે કુંડી ઉપર માટીનું પુરાણ કરી પુરાવાનો નાશ કરી દીધો. આ હત્યાને અંજામ આપ્યા બાદ વિપિન અને સૌરભસિંઘ એકબીજાની મદદગારી કરી પોલીસ પકડમાંથી નાસતા ફરતા રહેતા હતા.
કલમ 302, 201, 120(બી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો: આ બનાવ અંગે પોલીસને કબૂલાત આપતા રાજકોટ ગ્રામ્ય LCB પોલીસે આરોપી વિપિન દીવાનસિંઘ યાદવ અને તેના ભાઈ સૌરભસિંઘ દીવાનસિંઘ યાદવને ઝડપી પાડયા બાદ આ મામલે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. પી.કે. ગોહિલ દ્વારા આ સમગ્ર મામલાની અંદર ધોરાજી તાલુકા મથકમાં I.P.C. કલમ 302, 201, 120(બી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો અને બન્નેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ મામલામાં ઝડપાયેલા બંને વ્યક્તિઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના રિમાન્ડ માંગવામાં આવતા કોર્ટે તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે હાલ આ મામલાની તપાસ ધોરાજી સર્કલ ઓફિસરની કચેરીના પી.આઇ. અજીતસિંહ હેરમાં ચલાવી રહ્યા છે.