સુરેન્દ્રનગર : સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર કહેવાતા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવેશદ્વાર ચોટીલા ખાતે ડુંગર પર ચંડી ચામુંડા માતાજી બિરાજે છે. આ ચોટીલા યાત્રાધામ ખાતે દિવાળી અને નવા વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે.
ચોટીલા મંદિરે ભક્તો ઉમટ્યા : હાલ દિવાળીના તહેવાર નિમિત્તે સ્કૂલમાં તેમજ સરકારી કચેરીઓ અને ધંધા રોજગારમાં રજાનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે લોકો ડુંગર પર ચડી અને માતાજીના આશીર્વાદ નવા વર્ષમાં મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે. ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા સવારે 4:30 કલાકે મંદિરના કપાટ ખોલવામાં આવે છે. વહેલી સવારથી જ ભક્તોની મોટી ભીડ જોવા મળે છે.
બાધા અને માનતા પૂરી કરતા ભક્તો : સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત ઉત્તર ગુજરાત, અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત દેશ-વિદેશથી માતા ચામુંડાના દર્શન કરવા અને બાધા-આખડી પૂરી કરવા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે. જેમાં અનેક લોકો માતાજીની માથે માંડવી રાખી ડુંગર પર ચડે છે, તેમજ ઘૂંટણ પર અને દંડવત કરીને પણ માતાજીની બાધા અને માનતા પૂરી કરવા આ નવા વર્ષમાં લોકો અહીં ચામુંડા માતાજીના મંદિરે આવે છે.
જમવા, રહેવા અને પાર્કિંગ સુવિધા : ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા ભક્તો અને યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જમવા, રહેવા અને પાર્કિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ અંગે અમૃતગીરી બાપુ મહંત દ્વારા યાત્રીકોને પ્લાસ્ટિકની પાણીની બોટલ સહિતનો કચરો જ્યાં ત્યાં ન ફેકો અને ડસ્ટબીનમાં નાખો તેમજ મંદિર ડુંગર અને મંદિર તળેટી વિસ્તારમાં સ્વચ્છતા રાખી અને પ્રદૂષણ ન ફેલાય તે માટે યાત્રિકોને અપીલ કરવામાં આવી હતી. સાથે જ નવા વર્ષની તમામ યાત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.