સુરતઃ શહેરમાં સાંજે 4 કલાકે એક સાથે 52 જેટલા સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા હડકંપ મચી ગયો હતો. આ મેઈલમાં વી. આર. મોલને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે તેવો ઉલ્લેખ હતો. સુરતના વાય જંક્શન નજીક આવેલા વી.આર મોલ ના મેનેજમેન્ટને પણ આ મેઈલ મળતા મેનેજમેન્ટે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. તેમજ મોલમાં શોપિંગ માટે આવેલા આશરે 3000થી પણ વધુ લોકોને તાત્કાલિક મોલ માંથી બહાર કાઢવામાં આવતા અફરાતફરી મચી ગઈ હતી.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યાઃ એડિશનલ પોલીસ કમિશ્નર, જોઈન્ટ પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ડોગ અને બોમ્બ સ્કવોડની મદદથી મોલની અંદર તેમજ બહાર તપાસ હાથ ધરવામાં આવી હતી. લોકો મોલની અંદર ન આવે આ માટેની તકેદારી પણ પોલીસ દ્વારા લેવામાં આવી હતી. પોલીસે ટોપ ફ્લોરથી તમામ દુકાનોમાં પણ બોમ્બ સ્કોડની મદદથી તપાસ હાથ ધરી હતી.
સુરતના વી.આર મોલમાં બોમ્બ હોવાનો ઈમેલ મોલના ઓફિસિયલ આઈડી પર મળ્યો હતો. બોમ્બ થી મોલ ઉડાવી લોહીલુહાણ કરી દઈશું મેઈલ કરાયો હતો. એક જ આઇડી પરથી 55 લોકોને આ મેસેજ મોકલાયો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આ મામલે તપાસ શરૂ કરવામાં આવી. 3 વાગ્યા બાદ મોલના સંચાલકો દ્વારા પોલીસને માહિતી આપવામાં આવી હતી. મોલના સંચાલકોની ગંભીર બેદરકારી એ હતી કે મેલ વહેલી સવારે જ આવી ગયો હતો છતાં મોલના સંચાલકોએ 3 વાગે મેલ આઈડી ચેક કરી પોલીસને માહિતી આપી હતી. સુરત ગ્રામ્ય નવસારી અને સુરત શહેર પોલીસની ટીમો દ્વારા મોલની અંદર તપાસ હાથ ધરાઈ હતી. 4 કલાક સુધી મોલની અંદર તપાસની કામગીરી બાદ મોલમાં બોમ્બ ન હોવાનું સામે આવ્યું હતું. ઘટનાના પગલે ફાયર અને ઈમરજન્સી મેડિકલ સ્ટાફને પણ ઘટના સ્થળે બોલાવી લેવાયા હતા...વિજયસિંહ ગુર્જર(ડીસીપી, સુરત)
જ્યારે અમને સૂચના મળી ત્યારે તાત્કાલિક જ અમે મોલને ખાલી કરાવી દીધો હતો. લોકોને સુરક્ષિત સ્થળે જવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા અને મોલની અંદર તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઈમેલમાં મોલ સહિત 52સ્થળો પર આવી જ રીતે ધમકી અપાઈ છે. તકેદારીના ભાગરૂપે લોકો મોલની અંદર ના આવે તે માટેની પણ તકેદારી લેવામાં આવી રહી હતી. ડોગ અને બોમ્બ સ્કવોડની મદદથી સમગ્ર મોલ પરિસરમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે...કે. એન. ડામોર (એડિશનલ પોલીસ કમિશ્નર, સુરત)