સુરતઃ સોશિયલ મીડિયા જેટલું ફાયદાકારક છે તેટલું જ હાનિકારક પણ છે. સોશિયલ મીડિયાને લીધે સરળતાથી ઓનલાઈન ચીટિંગ કરી શકાય છે. યૂઝર્સ સરળતાથી સાયબર ઠગની જાળમાં સપડાઈ જાય છે અને લાખો કરોડો ગુમાવી દેતા હોય છે. આવી જ એક ઘટના સુરતના વરાછા વિસ્તારમાં બની છે. જેમાં નાના બાળકો માટેના રમકડાંની લાભામણી સ્કીમ ડમી વેબસાઈટ પર મુકવામાં આવી હતી. આરોપીઓએ અત્યાર સુધી 3,500થી પણ વધુ લોકો સાથે 13 લાખથી પણ વધુની છેતરપીંડી કરી છે.
સમગ્ર ઘટનાક્રમઃ સુરત શહેરના 3 યુવકોએ બાળકો માટેના અલગ અલગ પ્રકારના રમકડાં માટેની લોભામણી જાહેરાત કરતી ફેસબૂક પર એક ડમી વેબસાઈટ બનાવી હતી. આરોપીઓએ અગાઉ પણ ફેસબૂક પર ફ્લિપકાર્ટ નામની ડમી વેબસાઈટ બનાવી હતી. ત્યારબાદ આરોપીઓએ રમકડાં વેચવાના બહાને છેતરપીંડી કરવાનું શરુ કર્યુ હતું. જેમાં તેઓ ડમી વેબસાઈટમાં માત્ર 389 રૂપિયામાં મોંઘા રમકડાંની લાલચ આપતા હતા. તેઓએ છેતરપીંડીની રકમ નાની રાખી હતી. યુઝર પેમેન્ટ કરે ત્યારબાદ ફેસબુક પર 2 દિવસમાં આઈડી બદલી તેને ડીલીટ પણ કરી દેતા હતા. આ ઓનલાઈન છેતરપીંડીમાં વરાછા પોલીસે ભરત વઘાસીયા, લક્ષણ ભુરીયો અને નિખિલ સાવલિયા નામના ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ અત્યાર સુધી 3,500થી પણ વધુ લોકો સાથે 13 લાખથી પણ વધુની છેતરપીંડી કરી છે.
માત્ર રુપિયા 389માં રમકડાં આપવાની લોભામણી લાલચ આપી આ ત્રણેય આરોપીઓ છેતરપીંડી કરતા હતા. સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવી ત્યાં ડમી વેબસાઈટની લિંક પોસ્ટ કરતા હતા. તેમના બેન્ક એકાઉન્ટની તપાસ કરતા કુલ 13.83 લાખ રૂપિયા મળી આવ્યા છે. આ લોકો નાની-નાની રકમ મેળવી છેતરપીંડી કરતા હતા. અત્યાર સુધીમાં દેશભરના અલગ અલગ 3500થી પણ વધુ લોકો સાથે આ લોકોએ છેતરપીંડી કરી છે...પી.કે.પટેલ (એસીપી, સુરત પોલીસ)