સુરત: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનાં ઉમરગોટ ગામે બે દિવસ અગાઉ ભોજન લીધા બાદ શાળામાં અભ્યાસ કરતા 44થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. બાળકોને ઝાડા-ઉલ્ટી થતા વહિવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. 44 પૈકી 42ને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી. જ્યારે બે બાળકોને બે દિવસ સુધી સતત સારવાર લેવાઇ ફરજ પડી હતી. ત્યારે બનેલ ઘટનાને લઈને તંત્ર દોડતું થઇ ગયું છે.
સાંજે જમ્યા બાદ બીજા દિવસે લથડી તબિયત
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનાં ઉમરગોટ ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં 250 થી 300 જેટલા બાળકો 8 થી 12 ધોરણમાં અભ્યાસ કરે છે. નિવાસી શાળામાં રહીને અભ્યાસ કરતા ઉપરોક્ત બાળકોને બે દિવસ અગાઉ મોડી સાંજે નાસ્તામાં ચવાણું બાદમાં દાળ, ભાત, શાક આપવામાં આવ્યા હતા. જોકે બીજા દિવસે 16 તારીખે બુધવારનાં સવારે શાળા શરૂ થતા જ 44 જેટલા બાળકો ફૂડ પોઇઝનિંગની ઝપેટમાં આવી જતા તમામને ઝાડા-ઉલ્ટી થયા હતા.
16 જેટલા બાળકોની ગંભીર અસર
આકસ્મિક આવી પડેલી ગંભીર સ્થિતીને પગલે શાળા દ્વારા ઉમરપાડા તાલુકા હેલ્થ ઓફિસરને જાણ કરવામાં આવતા આરોગ્યની બે ટીમ બનાવનાં સ્થળે દોડી જઈ બાળકોની જરૂરી સારવારમાં જોડાઈ હતી. જ્યારે 16 જેટલા બાળકોની તબિયત લથડતા જેમને વધુ તપાસ અર્થે ઉમરપાડામાં આવેલી સરકારી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પ્રાંત અધિકારી જાદવ તેમજ મામલતદાર બનાવનાં સ્થળે દોડી જઈને જરૂરી વ્યવસ્થાઓના આદેશો કર્યા હતા.
નાસ્તા-ખોરાકનાં સેમ્પલો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મોકલાયા
જોકે ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટનાના પગલે વહિવટી તંત્ર દ્વારા બાળકોને આપવામાં આવેલા નાસ્તા-ખોરાકનાં સેમ્પલ લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા નિવાસી શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ સારવાર કેન્દ્ર પર દોડી આવ્યા હતા અને જરૂરી તપાસ થાય તેવી માંગ કરી હતી. બે બાળકોને સતત બે દિવસ સારવાર આપવામાં આવી હતી.
આ પણ વાંચો: