સુરત: સૂમુલ ડેરીએ સંપૂર્ણ સહકારની ભાવનાથી દૂધ ઉત્પાદકોનું ધ્યાન રાખીને અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે. સુમુલ ડેરી સાથે જોડાયેલા પશુપાલકોની આર્થિક પ્રગતિ થાય અને સતત ખર્ચાળ બનતા જતા પશુપાલન વ્યવસાયને ટકાવી રાખવા માટે પશુપાલકોને સમાયાંતરે દૂધના ભાવમાં વધારો ચૂકવવામાં આવે છે. આ દરમિયાન આવતીકાલથી સુરત- તાપીના 2.50લાખ પશુપાલકોને દૂધના ભાવમાં કિલોફેટે 20 રૂપિયાનો વધારો ચૂકવવા નિર્ણય લેવાયો છે.
દૂધમાં કિલોફેટે ૧૫ રૂપિયાનો વધારો: આ અંગે સુમુલના ચેરમેન માનસિંહ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી પશુપાલકોને ભેંસના દૂધના કિલોફેટે 830 રૂપિયા ચૂકવાતા હતા, પરંતુ હવે પછી ૮૫૦ રૂપિયા ચૂકવાશે. તેવી જ રીતે ગાયના દૂધના કિલોફેટે ૭૯૫ રૂપિયા ચૂકવાતા હતા, તે હવે 810 રૂપિયા ચૂકવાશે. એટલે કે ગાયના દૂધમાં કિલોફેટે 15 રૂપિયાનો વધારો કરાયો છે.
દૂધના વેચાણ ભાવમાં રૂ. 2 નો વધારો: વીતેલા કેટલાક સમયથી સુમુલ ડેરી દૂધના વેચાણ ભાવમાં વધારો કરતા પહેલા પશુપાલકોને (દૂધના ખરીદ ભાવમાં) કિલોફેટે વધારો આપે છે. એટલે સંભવત બે દિવસમાં દૂધના વેચાણ ભાવમાં પણ સંભવત લિટરે 2 રૂપિયાનો વધારો કરી દેવાશે. એટલે સુરતીઓએ લિટરે 2 રૂપિયા વધારે ચૂકવવા તૈયાર રહેવું પડશે. સુરત જીલ્લાના પશુપાલક રાજુ ભાઈએ જણાવ્યું હતું કે, સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કર્યો છે. જેને લઇને પશુપાલકોમાં ખુશીનો માહોલ છે. જે રીતે મોંઘવારી વધી રહી છે તે રીતે આગામી દિવસોમાં દુધના વધુ ભાવ સુમુલ ડેરી આપે તેવી શક્યતાઓ છે.