સુરતઃ અત્યારે કેરીનો પાક તૈયાર થવાના આરે છે. એવામાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. કમોસમી વરસાદ પડે તો ખાસ કરીને કેરીના પાકને નુકસાન થવાની ભીતિ છે. અંગ દઝાડતી ગરમી વચ્ચે કેરીના પાક પણ તૈયાર થઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકમાં કેરીનો પાક લગભગ વલસાડ, સુરત, નવસારી પંથકમાં 80થી 85 હજાર હેક્ટર વિસ્તારમાં કેરીના બગીચાઓ આવેલા છે.
માવઠાને લીધે કેરીનું ઉત્પાદન ઘટશેઃ ઉનાળાની શરુઆતમાં હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ કારણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ કમોસમી વરસાદ કેરીના પાક માટે અત્યંત જોખમી છે. આ વરસાદને લીધે કેરીનો પાક બગડવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. દક્ષિણ ગુજરાતમાં કેરીનું વાવેતર કરતા ખેડૂતો અત્યારે ચિંતાતૂર સ્થિતિમાં મુકાઈ ગયા છે. જો માવઠામાં પડતો વરસાદ કેરીના મોરવાઓને નુકસાન કરશે તો આ વર્ષે કેરીના પાકના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળશે.
ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે, કમોસમી વરસાદની આગાહીના કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકમાં કેરીનો પાક લગભગ વલસાડ, સુરત, નવસારી થઈને 80થી 85 હજાર હેક્ટરમાં કેરીના બગીચાઓ છે. જે રીતે વેસ્ટર્ન ડીસ્ટબર્ન્સને કારણે કમોસમી વરસાદની આગાહી થઈ છે તેનાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલમાં કેરીના પાકના મોરવાઓ તૈયાર છે અને આ વર્ષે સતત 2 માવઠા થવાના કારણે માંડ 30થી 35 ટકા કેરીનો પાક છે. હજૂ વધુ એક માવઠું થશે તો કેરીના પાકના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળશે.