સુરત: SOG પોલીસ દ્વારા કાશ્મીરના આંતકવાદનો ગઢ ગણાતા અનંતનાગ જિલ્લાના આંતરીયાળ ખીણ વિસ્તારમાં "મિશન કાશ્મીર" ઓપરેશન પાર પાડીને છેલ્લા 19 વર્ષથી NDPS ના ગુન્હામાં નાસતા ફરતા કુખ્યાત ડ્રગ માફીયા આરોપી નિશાર અહેમદ ગુલામનબીદારને જમ્મુ કાશ્મીરના આંતકવાદનો ગઢ ગણાતા અનંતનાગ જિલ્લાના માંથી જીવના જોખમે ઝડપી પાડ્યો છે.
2006માં NDPS એક્ટનો ગુન્હો નોંધાયો: વર્ષ 2006 માં આરોપી વિરુદ્ધ NDPS એક્ટનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આરોપીએ સાગરીતો સાથે વર્ષ 2006માં જમ્મુ કાશ્મીર, દિલ્હી, સુરતમાં ચરસ ટ્રેન મારફતે લાવી રહ્યો હતો. જે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી NCB દ્વારા મહિલા સહીત 3 આરોપીઓને ચરસ સાથે ઝડપી પડવામાં આવ્યા હતા.
આ ચરસ 10.250 ગ્રામનું હતું જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂપિયા 1.25 લાખ હતું. આ 3 આરોપીઓની પૂછપરછ કરતા મુખ્ય આરોપી નિશાર અહેમદ ગુલામનબીદારનું નામ સામે આવ્યું હતું. તે સમયે આરોપીને શોધવા પોલીસ તેના વતનમાં પહોંચી હતી.પરંતુ આરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરીને ફરાર થઇ ગયો હતો. તે સમયથી પોલીસ આરોપીની શોધખોળ કરી હતી. હાલ પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે.
આરોપી 19 વર્ષથી વોન્ટેડ: આ બાબતે SOGના DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, સુરતમાં વર્ષ 2006માં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં એક NDPS નો કેસ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં પોલીસે 1 મહિલા સહીત 3 આરોપીઓને 10.250 ગ્રામ ચરસ સાથે ઝડપી પાડ્યા હતા. જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂપિયા 1.25 લાખ હતી. આ ચરસ મોકલનારો મુખ્ય આરોપી નિશાર અહેમદ ગુલામનબીદાર જે જમ્મુ કાશ્મીરના આંતકવાદનો ગઢ ગણાતા અનંતનાગ જિલ્લાના આંતરીયાળ ખીણ વિસ્તારનો છે. તેનું નામ સામે આવ્યું હતું. તે સમયથી આરોપી નિશાર 19 વર્ષથી વૉન્ટેડ હતો. ત્યારે SOGની ટીમને બાતમી મળી હતી કે, જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના આંતરીયાળ ખીણ વિસ્તારમાં આરોપી ત્યાં ફરી રહેવા લાગ્યો છે. જે બાતમીના આધારે અમારી SOGની એક ટીમ ત્યાં પહોંચી હતી અને સ્થાનિક પોલીસ સાથે સંકલન સ્થાપીને આરોપી ઉપર નજર રાખવામાં આવી હતી.
આરોપી કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારનો રહેવાસી: DCP રાજદીપસિંહ નકુમે વધુમાં જણાવ્યું કે, જે વિસ્તારમાં આરોપી રહેતો હતો. ત્યાં અગાઉ સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં સ્થાનિક પોલીસનો એક જવાન શહીદ થઈ ગયો હતો. જેથી તે વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ છે. અનંતનાગ વિસ્તારમાં અવાર-નવાર આંતકવાદી હુમલાઓ બનતા હોય અને આ વિસ્તારમાં ઓપરેશન પાર પાડવુ મુશ્કેલ હતું. જેથી અમારી ટીમ દ્વારા 'મિશન કાશ્મીર ઓપરેશન' નામ આપી આરોપી સુધી પહોંચવા માટે કામે લાગી ગઈ હતી.
સુરત SOGએ આરોપીના ઘરમાંથી ઝડપ્યો: SOG પોલીસ અને સ્થાનિક પોલીસ આરોપીનો ઇતિહાસ જાણીને તેના ઘરનું એડ્રેસ જાણી તેની ઉપર નજર રાખી રહી હતી. સમય જોતા જ વહેલી સવારે આરોપીને ઉંઘમાંથી જગાડી તેને તેના ઘરમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી હાઈ પ્યોરિફાઇ ચરસ અને ડ્રગ્સ લાવતો હતો અને જમ્મુ કાશ્મીરથી ડ્રગ્સનો જથ્થો સમગ્ર ભારતમાં સપ્લાય કરતા હતો. નોંધનીય છે કે, કલમ 370 હટાવ્યા બાદ આખા ગુજરાતમાં સુરત SOG પોલીસે 'પહેલું મિશન કાશ્મીર ઓપરેશન' પાર પાડ્યું છે. સુરત SOG પોલીસે પહેલી વખત કશ્મીરમાં ઘૂસીને આરોપીને ઝડપી પાડ્યો છે. હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે.
આ પણ વાંચો: