સુરત: શહેરના એસ.ઓ.જી પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે. પોલીસ દ્વારા ઉન ભેસ્તાન વિસ્તારમાંથી એક બાંગ્લાદેશી શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ બાંગ્લાદેશી શખ્સે આજથી ત્રણ વર્ષ પહેલા બોગસ દસ્તાવેજોના આધારે ભારતીય પાસપોર્ટ બનાવી લીધો હતો. એટલું જ નહીં, એ પાસપોર્ટના આધારે બે વર્ષ સુધી તેણે કતાર અને દોહામાં નોકરી પણ કરી હતી. વિદેશમાં નોકરી કરી તે સુરત પાછો ફર્યો હતો. સુરત એસોજી પોલીસે હાલ આ શખ્સની ધરપકડ કરી છે, તેની સાથે સાથે તેને બોગસ દસ્તાવેજો બનાવવામાં મદદ કરનાર શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મૂળ બાંગ્લાદેશી છે આ યુવાન: સુરત એસઓજી પોલીસની ટીમે છેલ્લા કેટલાય સમયથી સુરતમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓની શોધખોળનું અભિયાન શરૂ કર્યું હતું. જેમાં સુરત SOG ને ચોક્કસ વિગતની બાતમી મળી હતી કે, ભેસ્તાનમાં મકાન નંબર 180, ગ્રાઉન્ડ ફ્લોર પર રહેમતનગર ચંડાલ ચોકડી પાસે મિનાર હેમાયત સરદાર નામનો 24 વર્ષનો એક યુવાન રહે છે, જે મૂળ બાંગ્લાદેશી છે, પરંતુ તેણે ભારતીય અને હિન્દુ નામ સુનિલદાસ ધારણ કર્યું હતું, અને તેણે ભારતીય પાસપોર્ટ પણ બનાવી લીધો હતો.
નકલી દસ્તાવેજો બનાવ્યા: એસઓજી પોલીસે આ મીનાર હેમાએત સરદારની ધરપકડ કરી તેની પાસેથી બાંગ્લાદેશી જન્મનો દાખલો, બાંગ્લાદેશનું પ્રાથમિક શિક્ષણનું પ્રવેશપત્ર, બાંગ્લાદેશની શાળાનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, બાંગ્લાદેશનું નેશનલ આઇડી કાર્ડ, કબજે કર્યા હતા. એટલું જ નહીં આ શખ્સે અહીંયા ભારતમાં આવીને પણ પશ્ચિમ બંગાળનું એક સ્કૂલનું ડુપ્લીકેટ એલ.સી, આધકાર્ડ અને પાનકાર્ડ મેળવી લીધું હતું. તેમજ જેના આધારે પાસપોર્ટ બનાવી એ કતાર ગયો હતો તેની સ્ટેટ ઓફ કતાર રેસીડેન્સી પરમિટ પણ મેળવી લીધી હતી. આ તમામ ચીજ વસ્તુ હાલ એસોજી એ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.