સુરત : સરથાણા વિસ્તારમાં નશાની હાલતમાં કારચાલકે રસ્તેથી પસાર થતા પાંચથી વધુ લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે આઠ વર્ષનું બાળક ઇજાગ્રસ્ત થયું છે. આ બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી. તાત્કાલિક કાર્યવાહી કરી પોલીસે આરોપી કારચાલકને તેના મિત્ર સાથે ઝડપી પાડ્યો છે.
બેફામ કાલચાલકે મોત વેર્યું : સરથાણા જકાતનાકા વિસ્તારમાં એક કારચાલકે રીક્ષા અને બાઈકને અડફેટે લીધા બાદ ત્યાંથી પસાર થતા બે બાળકો અને મહિલાને અડફેટે લીધા હતા. જેમાં સરથાણા જકાતનાકા નજીક રહેતા 65 વર્ષીય ગૌરી ધોળકિયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં 8 વર્ષના બાળક બાહુ રાજપૂતિયાને પણ ઇજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતક મહિલાના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે લક્ષ્મીબેન હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
બાળક પાંચ ફૂટ ઊંચો ફંગોળાયો : આ ઘટના બની ત્યારે આઠ વર્ષીય બાળક બાહુ પોતાના મિત્ર સાથે પગપાળા નજીક આવેલા સ્વસ્તિક ટાવર પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક જ કારચાલકે તેમને ટક્કર મારી હતી. એના કારણે પાંચ ફૂટ ઊંચો ફંગોળાયો અને તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેની હાલ સારવાર ચાલી રહી છે.
અકસ્માત CCTV કેમેરામાં કેદ : આ ગંભીર અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી. બીજી તરફ આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે એક કારચાલકે એક બાઈક ચાલકને અડફેટે લીધો અને રીક્ષાને પણ ટક્કર મારી હતી. ત્યારબાદ ત્યાંથી પસાર થતા બે બાળકો અને એક મહિલાને પણ અડફેટે લીધા હતી. જેમાં મહિલાનું મોત નીપજ્યું હતું.
આરોપીએ કરી ચોંકાવનારી કબૂલાત : બેફામ રીતે કાર ચલાવી પાંચ લોકોને ઉડાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. અકસ્માત સર્જનાર 35 વર્ષીય જીતેન્દ્ર માલવીયાની પોલીસે ધરપકડ કરી છે. નશામાં બ્રેકની જગ્યાએ એક્સેલેટર દબાઈ ગયાની આરોપીની કબૂલાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાડીમાં ગ્લાસ પણ મળી આવ્યો છે.
બે આરોપીની ધરપકડ : સરથાણા પોલીસ મથકના PI કે. એ. ચાવડાએ જણાવ્યું હતું કે, CCTV ફૂટેજના આધારે આરોપી જીતેન્દ્ર માલવીયાની ધરપકડ કરી છે. તે મોટા વરાછા ખાતે રહે છે અને ગ્રાફિક ડિઝાઇનનું કામ કરે છે. જીતેન્દ્ર પોતાના મિત્ર નીરવને વેન્ટો કાર લઈને મૂકવા જઈ રહ્યો હતો. બંને તે વખતે નશામાં હતા. જીતેન્દ્રએ નશામાં બ્રેક મારવાની જગ્યાએ એક્સીલેટર આપી દીધું, જેના કારણે આ ઘટના બની હતી. હાલ બંનેની તપાસ ચાલી રહી છે.