સુરત : જ્યારે પણ વિકટ પરિસ્થિતિ આવે ત્યારે એક ભાઈ બીજા ભાઈની મદદ કરે છે. પરંતુ સુરતમાં થયેલી એક હત્યાની તપાસ બાદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો ત્યારે જાણવા મળ્યું કે, ભાઈની હત્યા તેના સગા ભાઈએ જ કરી હતી. આ સાંભળી પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. આરોપીનો શરાબી ભાઈ માતાને માર મારતો હતો. નાના ભાઈને બેનના ઘરે લઈ જવાના બહાને તેની હત્યા કરી હતી.
સુરતમાં હત્યાનો બનાવ : સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મરનાર યુવાનનું ગળું કાપીને ફેંકી દેવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. આ હત્યા કોને કરી છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસને જાણકારી મળી હતી કે જે વ્યક્તિની હત્યા કરવામાં આવી છે તે 30 વર્ષીય ગોવિંદ બછાવ છે.
હત્યારો કોણ ? ગોવિંદ સુરત શહેરના બેસુ વિસ્તાર ખાતે આવેલા પાલિકાના આવાસમાં માતા અને ભાઈ સાથે રહેતો હતો. તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની હતા. ગોવિંદ શરાબ પીને માતાને માર મારતો હતો. ગોવિંદને આ બાબતે તેના નાના ભાઈ કિશોરે અનેકવાર સમજાવ્યો પણ હતો. જોકે ગોવિંદે ક્યારેય પણ તેની વાત માની નહોતી. એક દિવસે કિશોરે મોટાભાઈ ગોવિંદને કડોદરા રહેતી બહેનના ઘરે મૂકવા આવવા જણાવ્યું હતું. જેના કારણે ગોવિંદ કિશોરને કડોદરા મુકવા માટે નીકળ્યો હતો. પરંતુ ડીંડોલી વિસ્તાર કેનાલ રોડ નજીક કિશોરે ગોવિંદ પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.
પોલીસ કાર્યવાહી : આ સમગ્ર મામલે DCP ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, ગોવિંદને તેના ભાઈ કિશોરે તેને કડોદરા બેનના ઘરે મૂકવા માટે કહ્યું હતું. ત્યારબાદ જ્યારે તેઓ ડીંડોલી વિસ્તારથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેને ચપ્પુના ઘા માર્યા હતા. તેના ગળા સહિતના અન્ય શરીરના ભાગે ઇજા કરી અને ખેતરમાં છોડી નાસી ગયો હતો. આરોપી કિશોર અને મદદ કરનાર એક અન્ય આરોપીની પોલીસે અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કિશોરને પસંદ નહોતું કે, ગોવિંદ માતાને માર મારે છે. આ જ કારણ છે કે તેણે હત્યા કરી હતી.