સુરત: રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાંખ્યું છે. ચોમેર આક્રોશ-વિરોધના માહોલ વચ્ચે રાજ્ય સરકારે પણ કડક વલણ અપનાવ્યું છે. ફાયર NOC ફરજીયાત કરવા સાથે નિયમોની ઐસીતૈસી કરી ધમધમતા ગેમ ઝોનના સંચાલકો સામે પણ કાયદાનો કોરડો વિંંઝવાના આદેશો જારી કર્યા હતા. સરકારના હુકમના ગણતરીના કલાકોમાં જ સુરત શહેર પોલીસે શહેરના 5 ગેમ ઝોનના માલિકો સામે ફોજદારી રાહે ગુના દાખલ કર્યા હતા.
રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર એક્શનમાં આવી: રાજકોટની કરૂણાંતિકાએ સૌ કોઈને ધ્રુજાવી નાંખ્યા છે. ગેમ ઝોનનો આનંદ માણવા આવેલા 28 જેટલા નિર્દોષ વ્યક્તિઓ લોકો સળગીને મરી ગયા. આ દુર્ઘટનાને પગલે વિવિધ સરકારી તંત્રોમાં ચાલતી લાલિયાવાડીનો ફૂગ્ગો ફૂટી ગયો હતો. ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં નિયમોની ઐસીતૈસી કરતા આવા ગેમ ઝોન સામે ચારેબાજુથી આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. રાજ્ય સરકારે પણ આ મામલે કડકાઈ દાખવી ઉચ્ચ અધિકારીઓને બદલી કરી હાંકી કાઢવા સાથે સાતેક અધિકારીઓને સસ્પેન્ડ કરી ઘરે બેસાડી દીધા હતા.
ડોક્યુમેન્ટસના વેરિફિકેશનની કાર્યવાહી: હવે સરકારે ગેમ ઝોન અને જાહેર સ્થળોએ લાયસન્સ તથા સેફ્ટીના નિયમોનું કડકાઈથી પાલન થાય છે કે, કેમ તેની ઊંડાણપૂર્વકની તપાસ કરીને નિયમોનું ઉલાળિયું કરનારા સામે કાયદાનો કોરડો વિંઝવાના આદેશ કર્યા હતા. જે અંતર્ગત સુરત શહેર પોલીસ, પાલિકા, ફાયર બ્રિગેડ, પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંયુક્તપણે ટીમ બનાવીને શહેરના ગેમ ઝોનોમાં ચેકિંગ હાથ ધરાયું હતુ. જ્યાં ગેમ ઝોનના દસ્તાવેજો ચકાસીને સંલગ્ન વિભાગોના પરવાના અંગે ખરાઈ કરાઇ હતી. સ્થળ પર ફાયર, બાંધકામની તથા ઈલેકટ્રીકલ પાવર સંબંધિત જરૂરી ડોક્યુમેન્ટસના વેરિફિકેશન અંગેની કાર્યવાહી કરાઈ હતી.
સેફ્ટી અને પરવાના મામલે વિવિધ ક્ષતિઓ: સુરત ડીસીપી હેતલ પટેલે જણાવ્યું હતું કે, શહેરના 5 ગેમ ઝોનમાં સેફ્ટી અને પરવાના મામલે વિવિધ ક્ષતિઓ હોવાનો ખુલાસો થયો હતો. જેથી શહેર પોલીસે પાંચેય ગેમઝોનના માલિકો-સંચાલકો સામે આઈપીસી 336 તથા જીપી એક્ટની કલમ 131 (ક) મુજબ ગુના દાખલ કર્યા હતા.
પોલીસે પાંચ ગેમ ઝોન સામે કરી કાર્યવાહી
- ધી ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક
- ધ ફેન્ટાસીઆ-2
- શોટ ગેમ ઝોન
- રિબાઉન્સ ગેમ ઝોન
- વિઝીલીંક એન્ટરટેઈન્મેન્ટ (બ્લેક બની)