સુરત : મોડલ તાન્યા સિંહ આપઘાત કેસમાં આજે સુરત વેસુ પોલીસ મથક ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના ઓલરાઉન્ડર અભિષેક શર્મા પોતાનો નિવેદન લખાવવા માટે પહોંચ્યો હતો. તાન્યા સિંહ આપધાત કેસમાં સુરત વેસુ પોલીસ ક્રિકેટર અભિષેક શર્માની ચાર કલાક પૂછપરછ કરી હતી. પોલીસે જણાવ્યું છે કે, સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડી અભિષેક શર્માની મૉડલ તાન્યા સિંહ સાથે મિત્રતા હતી. જે સંદર્ભે તેમને બોલવામાં આવ્યાં હતાં.
ક્રિકેટર અભિષેક શર્માની પુછપરછ: જ્યારથી મોડલ તાનિયા સિંહના મોત સાથે પંજાબના ક્રિકેટર અભિષેક શર્માનું નામ જોડાયું છે, લોકો તેના વિશે શોધ કરી રહ્યા છે. મોડલ તાનિયા સિંહની આત્મહત્યા બાદ અભિષેક શર્માને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આજે અભિષેક સુરતના વેસુ પોલીસ મથકમાં પહોંચ્યો હતો, જ્યાં તેની ચાર કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી અને તેના નિવેદનો નોંધવામાં આવ્યાં હતાં. અભિષેકને પોલીસે અને સવાલો કર્યા હતા જેમાં તે ક્યારથી તાન્યાને જાણતો હતો ? કઈ રીતે મળ્યો ? અને તેમના સંબંધો શું હતા ? આવા અનેક સવાલો અભિષેકને પૂછવામાં આવ્યા હતા. તાન્યા આપઘાત બાદ અભિષેક સાથે તેના કેટલાક ફોટો વાયરલ થયા બાદ પોલીસે અભિષેકને સમન્સ પાઠવી પોલીસ મથકે બોલાવ્યા હતા. આશરે ચાર કલાક સુધી અભિષેકે પોલીસ સમક્ષ તાન્યા અને તેના સંબંધ વચ્ચે નિવેદન આપ્યા હતા તેણે જણાવ્યું હતું કે આપઘાત સમયે તે તાન્યા સાથે જ સંપર્કમાં નહોતો.
કોણ છે અભિષેક શર્મા: મેગા ઓક્શનમાં 6.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો: 23 વર્ષનો અભિષેક શર્મા આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે. અભિષેક શર્માની કેપ્ટન્સીમાં ભારતની અંડર 19 ક્રિકેટ ટીમે એશિયા કપ જીત્યો હતો. આ પછી, તેને પૃથ્વી શૉની કપ્તાની હેઠળની અંડર 19 વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળ્યું, જેમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું. તે ટીમે અંડર 19 વર્લ્ડ કપ જીત્યો હતો. 2018 આઈપીએલમાં, દિલ્હી કેપિટલ્સ (તે સમયે ડેરડેવિલ્સ) એ અભિષેક શર્માને રૂ. 55 લાખમાં સામેલ કર્યો હતો, ત્યારબાદ તે સનરાઈઝર્સ હૈદરાબાદમાં જોડાયો હતો. વર્ષ 2022માં સનરાઇઝર્સે તેને મેગા ઓક્શનમાં 6.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
અભિષેક અને તાન્યાના સંબંધોને લઈને સવાલ: એસીપી વી.આર.મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, મોડલ તાન્યા સિંહ આપઘાત પ્રકરણમાં સતત તપાસ ચાલી રહી છે, અને જે ફોટો સામે આવ્યા છે અને કેટલીક વિગતો મળી હતી. તેના આધારે અભિષેક શર્માને નિવેદન આપવા માટે વેસુ પોલીસે બોલાવ્યા હતા જેના અનુસંધાને તેઓ આજે નિવેદન લખાવીને ગયા છે.
મહત્વપૂર્ણ છે કે, સુરતના વેસુ વિસ્તારમાં આવેલ હેપ્પી એલિગન્સ રેસીડેન્સીમાં રાજસ્થાનની તાનિયા નામની 28 વર્ષીય મોડેલે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. મોડલના આપઘાતના બે સપ્તાહ વિતવા છતાં તેના આપઘાતનું સાચુ કારણ જાણી શકાયું નથી.