સુરતઃ મૂળ નેપાળનો 26 વર્ષીય પ્રદીપ કરિંગા ચૌધરી ભાઈ અને ભાભી સાથે રહેતો હતો. પ્રદીપ રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ગત સાંજે પ્રદીપ અને તેના ભાણિયા અનિલ અને બનેવી લાલ બહાદુર સાથે જગદીશનગરમાં આવેલી ચોપાટીમાં બેસવા ગયા હતા. દરમિયાન 3 અજાણ્યા શખ્સો ત્યાં શ્વાન સાથે આવ્યા હતાં. આ શ્વાન પ્રદીપ અને તેના સંબંધી પરથી ચલાવવાની કોશિશ આ શખ્સોએ કરી હતી. આ ઘટના બાદ મોટી માથાકૂટ થઈ હતી.
આડેધડ ચપ્પુના ઘા માર્યાઃ આ ઘટના બાદ પ્રદીપ સહિતના ત્રણેય ચોપાટીની બહાર નીકળી રહ્યા હતા ત્યારે 10થી 12 જેટલા લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને મૃતક સહિતના પર હુમલો કરી દીધો હતો. લાકડાના ફટકા અને ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે ત્રણેયને આડેધડ લાકડાના ફટકા અને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. પ્રદીપને પેટના ભાગે ચપ્પુ માર્યા બાદ આંતરડા બહાર આવી જતાં તમામ હુમલાખોરો ભાગી ગયા હતા. દરમિયાન સ્થાનિકો દ્વારા 108ને જાણ કરવામાં આવતાં તમામને સ્મિમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પ્રદીપનું મોત નીપજ્યું હતું.
પોલીસ કાર્યવાહીઃ આ ઘટના બાદ મૃતક પ્રદીપના ભાઈ સુનીલની ફરિયાદ આધારે વરાછા પોલીસમાં હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા. કુલ 10 સગીરને પોતાના ઘરે અને મિત્રોના ઘરેથી ઝડપી લેવાયા હતાં.