સુરત : દેશભરમાં લોકો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહ્યા છે. પરંતુ સુરત પોલીસ હવે આ ખાસ દિવસ પર હોટલ મોલ અને મલ્ટિપ્લેક્સ પર ખાસ નજર રાખવા જઈ રહી છે વેલેન્ટાઈન ડે માટે આયોજિત કાર્યક્રમો સાથે ડુમ્મસ અને સુવાલી બીચ પર સતત સુરત પોલીસ પેટ્રોલિંગ કરશે જેથી કોઈ અઈચ્છનીય બનાવ ન બને. છેડતી સહિત અન્ય બનાવ ન બને આ માટે સુરત ક્રાઈમ બ્રાન્ચ એસોજી અને પીસીબી સહિત SHE ટીમ પણ પેટ્રોલિંગમાં રહેશે. જ્યાં પણ વેલેન્ટાઈન ડે નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ત્યાં પોલીસ જઈને ચકાસણી કરશે.
સઘન પોલીસ પેટ્રોલિંગ : સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જમીરએ જણાવ્યું હતું કે, વેલેન્ટાઈનડેની ઉજવણી નિમિત્તે યુવક યુવતીઓ એકબીજાને ગ્રીટીંગ કાર્ડ આપે છે ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ રિસોર્ટ વગેરે જગ્યા પર ડાન્સ અને મ્યુઝિકના પ્રોગ્રામ યોજવામાં આવે છે. જેથી વેલેન્ટાઈન ડે ના ઊજવણી સુરત શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ છેડતી ના બનાવ ન બને, કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે આ માટે મલ્ટીપ્લેક્સ સિનેમા, હોટેલ, મોલ, ડુમ્મસ અને સુવાલી બીચ,કોલેજ, બાગ બગીચા પર પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવશે.
મહિલા પોલીસની ટીમ તહેનાત : તેઓએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનદીઠ મહિલા પોલીસની ટીમ તહેનાત કરવામાં આવશે. શી ટીમ દ્વારા ટપોરીઓ જેવા ઈસમો ઉપર ચાપતી નજર રાખવામાં આવશે. આ ટીમ રૂબરૂ પહોંચી કાયદા અને વ્યવસ્થા બનાવી રહેશે. આ સિવાય ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, પીસીબીના લોકો અલગ અલગ હોટલોમાં, ખાસ કરીને જ્યાં કાર્યક્રમો યોજવામાં આવેલ છે ત્યાં જઈ તપાસ હાથ ધરશે. સાથે વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. સી ટીમની મહિલાઓ સાધારણ પરીવેશમાં સંવેદનશીલ વિસ્તારમાં રહેશે. સાથે સાથે સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરવામાં આવશે.