સુરત : ગુજરાતની દીકરી આજે અમેરિકામાં પ્રોફેશનલ પાયલટ બની છે. મૂળ સુરતની રહેવાસી અને હાલ અમેરિકામાં રહેતી દિપાલી દાળિયાએ અનેક સંઘર્ષો અને વિકટ પરિસ્થિતિ વચ્ચે માત્ર 22 વર્ષની ઉંમરમાં દિપાલીએ અમેરિકામાં એકલી રહીને પોતાનું સપનું સાકાર કર્યું હતું. તેણે અમેરિકામાં પ્રોફેશનલ પાયલટ તરીકે વિમાન ઉડાડવાનું લાયસન્સ પ્રાપ્ત કર્યુ છે.
બેગમપુરામાં રહેતી હતી દિપાલી : સુરત શહેરના બેગમપુરા વિસ્તાર ખાતે આવેલા મુંબઈવડ પાસે રહેતી એક નાનકડી દીકરી જે શેરીઓમાં રમતી હતી તે ભવિષ્યમાં અમેરિકા જેવા દેશમાં જઈ પ્રોફેશનલ પાયલટ બનશે તે ત્યાંના સ્થાનિક લોકોએ ક્યારેય વિચાર્યું ન હતું. આજે આ જ વિસ્તારમાં રહેનાર 22 વર્ષીય દિપાલી દાળિયાએ લોકોને અચંબિત કરી દીધા છે. પ્લેનમાં બેસીને એક વખત વિચાર્યું હતું કે આ પ્લેન કઈ રીતે ઉડાન ભરે છે બસ તેની આ જિજ્ઞાસા તેને પાયલટ બનવાના માર્ગ પર લઈ ગઈ.
પાયલટ બનવાની ઈચ્છા હતી : ધોરણ 10 સુધી સુરત અને ત્યારબાદ તે વર્ષ 2017 માતાપિતા સાથે અમેરિકામાં શિફ્ટ થઈ ગઈ હતી. ભાઈ અને માતાપિતા સાથે તે અમેરિકાના ન્યુજર્સીમાં રહેતી હતી. પરંતુ તેને પાયલટ બનવાની ઈચ્છા હતી. પિતાએ તેની આ ઈચ્છા જોઈ પાઈલેટ બનવા માટે કેલિફોર્નિયા મોકલી હતી. જ્યાં દિપાલી એકલી રહેતી હતી અને પોતાના સપનાને સાકાર કરવા માટે દિવસરાત મહેનત કરતી હતી. ત્યારે પરિશ્રમના પરિપાકરુપે પ્રોફેશનલ પાયલટ બનવાનું લાયસન્સ મળી ગયું છે.
માતાપિતા અને ભાઈને ફ્લાઈટમાં મુસાફરી કરાવી : સંઘર્ષ અને સફળતાને લઇને વાત કરતાં દિપાલીએ જણાવ્યું હતું કે મારા માતાપિતા અને ભાઈ સાથે હું ન્યુ જર્સીમાં રહેતી હતી. પરંતુ એક વખત પ્લેનમાં બેસીને વિચાર આવ્યો કે કઈ રીતે આ પ્લેન ઉડતું હશે ? આ વિચાર અને જિજ્ઞાસા કારણે હું પાયલટ બની શકી. પાયલટ બન્યા પછી સૌપ્રથમ મારા માતાપિતા તેમજ ભાઈને ફ્લાઈટમાં મુસાફરી કરાવી હતી. મારી માટે યાદગાર ક્ષણ રહેશે. કેલિફોર્નિયાથી લાસવેગાસ પ્લેનમાં લઈ ગઈ હતી. એકલી રહી આ ટ્રેનિંગ લઈ રહી હતી ત્યારે પરિવારના કેટલાક સભ્યોએ કહ્યું હતું કે તેનું લગ્ન કરી દો પરંતુ મારા માતાપિતાએ મને સાથ આપ્યો હતો.