સુરત : અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે મોદી સરકાર દેશના દરેક રાજ્યમાંથી રામ ભક્તો માટે અયોધ્યા જવા માટે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા રામ મંદિરના દર્શન માટે જે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેનું નામ આસ્થા એક્સપ્રેસ છે. સૌથી પહેલા આ ટ્રેન ઉત્તરાખંડના દેહરાદૂનથી રવાના થશે. સૌથી મહત્વની વાત એ છે કે માર્ચ સુધી તમામ રામ ભક્તો આ ટ્રેનનો લાભ લઈ શકશે. ટ્રેનમાં અલગ-અલગ ભાષાઓમાં ગાઈડ પણ હશે જે મુસાફરોને અયોધ્યા જવા માટે મદદ કરશે.

આસ્થા સ્પેશિયલ ટ્રેન : અયોધ્યામાં ભવ્ય રામ મંદિર તૈયાર છે અને તે પછી હવે સરકાર રામ ભક્તોને દર્શન માટે અયોધ્યા લઈ જવા માટે અલગ-અલગ રાજ્યોમાં સ્પેશિયલ ટ્રેન ચલાવવાની યોજના બનાવી રહી છે. જેના માટે દેશભરમાં વિશેષ આસ્થા એક્સપ્રેસ દોડશે. અયોધ્યા જવા માટે ટ્રેનોની યોજના જાહેર કરવામાં આવી છે. આ તમામ ટ્રેનોને આસ્થા સ્પેશિયલ તરીકે ઓળખવામાં આવશે.

45 જોડી ટ્રેનો દોડશે : આસ્થા સ્પેશિયલ ટ્રેનોની કુલ 45 જોડી ટ્રેનો (સિંગલ ટ્રીપ) અલગ-અલગ તારીખે દોડશે. આ સિવાય 308 વધુ ટ્રેનો દોડાવવામાં આવશે. જે 104 અલગ-અલગ જગ્યાએથી દોડશે. કુલ મળીને 353 ટ્રેનો ચલાવવામાં આવશે જે અયોધ્યા આવશે.આ તમામ ટ્રેનો IRCTC દ્વારા ચલાવવામાં આવશે. આ તમામ ટ્રેનોમાં 22 કોચ (20 સ્લીપર અને 02 SLR) હશે. ઉત્તર-પશ્ચિમથી દોડતી માત્ર 5 ટ્રેનોમાં પણ 3 એસી કોચ હશે.
આ ટ્રેનોમાં સુરક્ષા, લિનન (પલંગ-ધાબળો), સ્વચ્છતા, તબીબી સુવિધાઓ અને કેટરિંગની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે. દરેક ટ્રેન સાથે IRCTC. ટૂર ગાઈડ પણ હશે. આ તમામ બાબતોના સમન્વય માટે અયોધ્યામાં એક કમાન્ડ કમ કોલ સેન્ટર પણ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં વિવિધ ભાષાઓ બોલતા લોકો ઉપલબ્ધ હશે. વિવિધ વિસ્તારોમાંથી આવતા લોકોને ઓળખ માટે અલગ-અલગ રંગના આઈકાર્ડ આપવામાં આવશે...દર્શના જરદોશ (કેન્દ્રીય રેલવે રાજ્ય પ્રધાન )
ગુજરાતમાંથી 30 જાન્યુઆરીથી આસ્થા ટ્રેન રવાના : આ તમામ ટ્રેનોનું સંચાલન અયોધ્યા ધામ, અયોધ્યા કેન્ટ, દર્શન-નગર, સાલારપુર અને કટરા સ્ટેશનો પર કરવામાં આવશે. પ્રથમ યાત્રા 25.01.2024ના રોજ દેહરાદૂનથી ચાલશે જે 26.01.2024ના રોજ અયોધ્યા ધામ પહોંચશે. છેલ્લી સફર તિરુનેલવેલીથી 01.03.2024ના રોજ શરૂ થશે અને 03.03.2024ના રોજ દર્શન નગર પહોંચશે. ગુજરાતમાંથી 30મી જાન્યુઆરીથી આસ્થા ટ્રેન રવાના થશે. આમ આખો ફેબ્રુઆરી અને માર્ચની ત્રીજી સુધી લોકો આસ્થા એક્સપ્રેસનો લાભ લઈ શકશે. 1900 રૂપિયામાં અયોધ્યા લોકો જઈને પરત આવી શકશે. એક જ ટ્રેન તેમને લઈ પણ જશે અને પરત પણ લઈને આવશે.