સુરતઃ જિલ્લાના છેવાડે આદિવાસી તાલુકાઓ આવેલા છે. આ તાલુકાઓમાં આદિવાસી સંસ્કૃતિ અને રીતી રિવાજ હજૂ પણ જીવંત છે. આદિવાસી સંસ્કૃતિનો એક ભાગ છે પિલવણી ઉત્સવ. અખાત્રીજ પછીની પંચમે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. આજે બણભા ડુંગરે ઉજવાયેલ પિલવણી ઉત્સવમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા હતા.
સારી કૃષિ પેદાશ માટે પ્રાર્થનાઃ માંગરોળ તાલુકાના ઓગણીશા ગામે આવેલા બણભા ડુંગર ખાતે પિલવણી ઉત્સવ ઉજવવામાં આવે છે. જેમાં માંગરોળ, માંડવી તેમજ ઉમરપાડા તાલુકાના આદિવાસીઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ડુંગર દેવના થાનક પર પ્રકૃતિને લગતી વસ્તુઓ ભેટ સ્વરૂપ ચઢાવે છે. ઉત્સવ ઉજવવા પાછળનો મુખ્ય આશય સારી ઉપજ માટે દેવતાઓની પ્રાર્થના કરવાનો છે.
હજૂ પણ પિલવણી ઉત્સવ જીવંતઃ ધીરે ધીરે આદિવાસી સહિત તમામ પરંપરાઓ અને સંસ્કૃતિ વિસરાઈ રહી છે. આદિવાસી વિસ્તારમાં ઉજવાતો પિલવણી ઉત્સવે આ સંસ્કૃતિને જીવંત રાખી છે. આદિવાસી વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં લોકો હવે રોજી રોટી મેળવવા માટે શહેર તરફ પ્રયાણ કરે છે. શહેરોમાં વસતા આદિવાસી પરિવારના લોકો ગ્રામ્ય વિસ્તારમાં ઉજવાતા આ પારંપરિક ઉત્સવને જોવા ખાસ ગ્રામ્ય વિસ્તારમાં આવે છે અને પોતાની પરંપરા જોઈ ધન્યતા અનુભવે છે.
દર વર્ષે આદિવાસી સમાજ દ્વારા પિલવણી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. બહોળી સંખ્યામાં આદિવાસીઓ ઉપસ્થિત રહે છે. અમારી જૂની પરંપરાઓ જળવાઈ રહે તે માટેના પ્રયાસો કરવામાં આવે છે. સારો પાક મળી રહે અને વર્ષ સારુ નીવડે તેવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે...અનિલ ચૌધરી(સ્થાનિક આગેવાન, વાંકલ, માંગરોળ)