સુરત: આખા દેશની નજર સુરત લોકસભા બેઠક પર છે. થર્ડ ફેસમાં સુરતમાં પણ મતદાન થવાનો છે. આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે કોંગ્રેસના બંને ઉમેદવારોના ફોર્મ થયા બાદ હવે સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટણી જીતે તે માટેની સ્થિતિ ઊભી કરવામાં આવી છે. ચાર અપક્ષ અને ત્રણ પક્ષના ઉમેદવારો પૈકી સાત ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધા છે. હવે માત્ર બીએસપીનો ઉમેદવાર પ્યારેલાલ ભાજપ સામે ઉમેદવાર છે. ત્યારે તેઓ પણ હાલ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. ફોન સ્વીચ ઓફ આવે છે.
ડમી ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું: સુરત લોકસભા બેઠક પર હાઈ વૉલ્ટેજ ડ્રામાની સ્થિતિ સર્જાઇ છે. કોંગ્રેસ અને ભાજપના ડમી ઉમેદવાર સહિત કુલ 15 ઉમેદવાર સુરત લોકસભા બેઠક પર નોંધાયા હતા. જેમાંથી ફોર્મમાં ટેકેદારોની સહીના મામલે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાની સહિત ડમી ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું. સ્કુટની બાદ સુરત સુરત લોકસભા બેઠક પર નવ જેટલા ઉમેદવાર ફાઈનલ થયા હતા. જ્યારે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે સવારે બે કલાકમાં સાત જેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા હતા. જેથી ભાજપના મુકેશ દલાલ અને બસપા પ્યારેલાલ વચ્ચે ચૂંટણી જંગ સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી. પરંતુ આ વચ્ચે બસપાના ઉમેદવાર પ્યારેલાલનો ફોન સ્વીચ ઓફ આવતા અટકળો શરૂ થઈ હતી કે, તેઓ પણ ફોર્મ પાછું ખેંચી લે છે.
પ્યારેલાલની શોધખોળ: સવારે 11:00 વાગ્યાથી પ્યારેલાલનું ફોન સ્વીચ ઓફ આવી રહ્યું છે. બહુજન સમાજ પાર્ટીના તમામ નેતાઓ સંપર્ક કરી રહ્યા છે. જોકે પક્ષ માનવા તૈયાર નથી કે, તેઓ ઉમેદવારી પાછી ખેંચશે. પ્યારેલાલ ધોરણ 10 સુધી ભણ્યા છે અને સુરતમાં પોતાનું છાપુ કાઢે છે. એમની ઉપર કોઈ ક્રિમિનલ કેસ નથી અને કોઈ સોશિયલ એકાઉન્ટ પણ નથી. હાલ તેમની ઉપર સૌની નજર છે.
બસપાના મહાસચિવે કહ્યું, સંપર્કમાં છીએ: બહુજન સમાજ પાર્ટી સુરત જિલ્લાના મહાસચિવ રમેશ મકવાણાએ જણાવ્યું હતું કે, કેવો ફોર્મ પાછા ખેંચે તેવી સ્થિતિ નથી. અમે પોલીસ પ્રોટેક્શન ની માંગણી કરી છે. તેમને લાલચ અને ધમકી મળી રહી છે. અમે તેમના સંપર્કમાં છીએ. તેઓ ચોક્કસથી ચૂંટણી લડશે.