સુરત : 24 સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ નામાંકન ભર્યું છે. તેમની સાથે કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. નામાંકન કરતા પહેલા કોંગ્રેસ ઉમેદવારે પાટીદાર વિસ્તારમાં રોડ શો કરી કલેકટર કચેરી પહોંચ્યા હતા. નિલેશ કુંભાણી જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક રાજીનામાં અંગે તેમને જાણકારી નથી, તેમ છતાં બંને તેમની સાથે છે.
કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી : સુરત લોકસભા બેઠક પર કોંગી ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને ટક્કર આપવા જઈ રહ્યા છે. 47 વર્ષીય નિલેશ કુંભાણી ખેડૂત પુત્ર છે અને સુરતમાં કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ કામરેજ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂક્યા છે, જોકે તે વખતે તેઓ ચૂંટણી હારી ગયા હતા. પાટીદાર યુવા નેતા તરીકે ઓળખ ધરાવતા નિલેશ કુંભાણી પાટીદાર આંદોલન દરમિયાન અનામત આંદોલન સમિતિના તમામ નેતાઓના નજીકના હતા. તેઓ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બન્યા અને કોર્પોરેટર તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા.
રોડ શો કરી નામાંકન ભર્યું : નિલેશ કુંભાણી સમર્થકો સાથે 14 કિલોમીટરનો રોડ-શો કરી સુરત જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા અને નામાંકન ભર્યું હતું. તેમની સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા પહેલા નિલેશ કુંભાણીએ પાટીદાર વિસ્તારમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું.
કોંગી ઉમેદવારનો દાવો : નામાંકન ભર્યા બાદ નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી મોંઘવારી સહિત અનેક મુદ્દાઓ પર ફેલ રહી છે. ખાસ કરીને કોરોના કાળમાં લોકોને જે હાલાકી થઈ છે તે ધ્યાનમાં રાખી લોકો ચોક્કસથી ઈન્ડિયા ગઠબંધનને મત આપશે. લોકો મોંઘવારીના કારણે ત્રસ્ત થઈ ગયા છે. હવે લોકો પરિવર્તન ઈચ્છે છે. આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ સાથે આવ્યા હતા. બંને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને દરેક બેઠક પર કોંગ્રેસને વિજયી બનાવશે.
અલ્પેશ અને હાર્દિકનું રાજીનામું : અલ્પેશ અને હાર્દિકના રાજીનામાને લઈ નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, આ અંગે મને કોઈ પણ પ્રકારની જાણકારી નથી, તેમ છતાં હું જણાવવા માંગીશ કે બંને લોકો હંમેશાથી મારી સાથે રહ્યા છે અને આવનાર દિવસોમાં પણ મારી સાથે જ રહેશે.