ઓલપાડઃ સુરત જિલ્લામાં દિન પ્રતિદિન આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. નાગરિકો નજીવા કારણોને લઈને આત્મહત્યા કરે છે. આવો જ એક કિસ્સો ઓલપાડના કીમ ગામે બન્યો છે. જેમાં માત્ર 22 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યુ. આ યુવકની આત્મહત્યાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જયારે પરિવારે જૂવાન જોધ દીકરો ગુમાવતા શોકની કાલિમા પથરાઈ ગઈ છે. સમગ્ર ઘટનાની તપાસ કીમ પોલીસ કરી રહી છે.
સમગ્ર ઘટનાક્રમઃ ઓલપાડ તાલુકાના કીમ ગામે મૃતક યુવાન દીક્ષિત પટેલ શાંતિવન સોસાયટીમાં રહેતો હતો. આ યુવક નોકરી કરીને પરિવારને આર્થિક મદદ પણ કરતો હતો. દીક્ષિત પટેલે મૂળદ ગામની સીમમાં આવેલા શેરડીની ખેતર પાસે આત્મહત્યા કરી લીધી છે. શેરડીની ખેતર પાસે આવેલ પીપળાના ઝાડ સાથે દોરી બાંધી યુવકે મોત વ્હાલું કર્યુ છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં કીમ પોલીસ ઘટના સ્થળે દોડી આવી. કીમ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે. જૂવાન જોધ દીકરાના આપઘાતને લીધે પરિવાર શોકમાં ડૂબી ગયો છે જ્યારે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સુરત જિલ્લામાં અવાર નવાર આત્મહત્યાના બનાવો બની રહ્યા છે. જેમાં 20 વર્ષના યુવક લઈને 60 વર્ષ સુધીના વૃદ્ધો પણ કોઈ અગમ્ય કારણ સર આપઘાત કરી લેતા હોય છે. આ કિસ્સામાં પણ આપઘાતનું કારણ અકબંધ છે.
મૃતક યુવકના પરિવાર દ્વારા ઘટનાની જાણ કરવામાં આવતા જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અમે યુવકના મૃતદેહનો કબજો લીધો હતો. ક્યાં કારણોસર યુવકે આપઘાત કર્યો એ હાલ જાણવા મળ્યું નથી. આગળની કાર્યવાહી હાથ ચાલી રહી છે...કલ્પેશભાઈ(જમાદાર, કીમ પોલીસ સ્ટેશન, સુરત)