સુરતઃ કતારગામમાં નકલી ઈન્કમટેકસ ઓફિસર લૂંટ કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. શેર બજારની ખોટ ભરપાઈ કરવા માટે કંપની કર્મચારીએ જ રુપિયા 8 કરોડની લૂંટનું ષડયંત્ર રચ્યું હતું. કતારગામ સેફ વોલ્ટમાંથી કંપનીના 8 કરોડ રૂપિયા અન્ય સેફમાં લઈ જતી વખતે કર્મચારીએ આ લૂંટનું ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી છે.
સમગ્ર ઘટનાક્રમઃ તા. 27મી ફેબ્રુઆરીના રોજ મોડી સાંજે સહજાનંદ ટેકનોલોજી પ્રાઈવેટ લિ. કંપનીના કર્મચારીઓને બંદૂકની અણી પર ગાડીમાં બેસાડીને 8 કરોડ રૂપિયાની લૂંટની ઘટના ઘટી હતી. આરોપીએ પહેલા પોતાની ઓળખ ઈન્કમટેક્સ ઓફિસર તરીકે આપી હતી. ત્યારબાદ કંપનીના 3 કર્મચારી સહિત ડ્રાઈવરને બાનમાં લીધા હતા. રુપિયા સહિત આ લોકોનું અપહરણ કરી તેમને રામકથા રોડથી વરીયાવ બ્રિજ તરફ લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ચારેય માણસોને કારમાંથી નીચે ઉતારીને 8 કરોડ રૂપિયાની લૂંટ આચરવામાં આવી હતી.
હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે ધરપકડઃ 8 કરોડ રૂપિયાની લૂંટ થયા બાદ માત્ર સ્થાનિક પોલીસે જ નહિ પરંતુ ક્રાઈમ બ્રાન્ચે પણ આરોપીની શોધખોળ કરવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણ થયેલી ઈકો કારને કેનાલ રોડ પરથી જપ્ત કરી લીધી હતી. હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે પોલીસે રોહિત નામના આરોપીની ધરપકડ કરી હતી. તેની સઘન પૂછપરછ કરતા રોહિત ભાંગી પડ્યો હતો. પોલીસ પૂછપરછમાં રોહિતે જણાવ્યું હતું કે, મારા મિત્ર કલ્પેશ અને તેના મિત્ર નરેન્દ્ર દુધાતના કહેવા પર આ ઘટનાને મેં અંજામ આપ્યો હતો. તેઓ મને આ માટે 5 લાખ રૂપિયા આપવાના હતા. રોહિતના નિવેદન બાદ પોલીસે મુખ્ય બંને આરોપીની ધરપકડ કરી લીધી હતી.
સુરત શહેરના ઈન્ચાર્જ પોલીસ કમિશનર બાવાંગ જમીરે જણાવ્યું હતું કે, નરેન્દ્ર દુધાત છેલ્લા 22 વર્ષથી સહજાનંદ કંપનીમાં નોકરી કરતો હતો જેમાંથી છેલ્લા 5 વર્ષથી તે ફાયનાન્સ ડીપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો. તેણે કંપનીની તમામ નાણાકીય લેતી દેતી અંગે તેણે જાણકારી હતી એટલું જ નહીં તે ઉઘરાણીનો વહીવટ પણ સંભાળતો હતો. તેના હાથમાં કંપનીની મોટી રકમ રહેતી હતી. આ દરમિયાન તેણે પોતાના પરિચિતોના નામે અલગ અલગ ડીમેટ એકાઉન્ટ ખોલી અલગ અલગ સમય પર રોકડ રકમ ડિપોઝિટ કરી હતી. વર્ષ 2018-19માં શેર બજારમાં તેને આશરે 5 કરોડનું નુકસાન થયું હતું. આ નુકસાન કવર કરવા માટે તેણે 8 કરોડ રૂપિયાની ઉચાપત કરી નાખી હતી. કંપનીને આ સમગ્ર રકમનો હિસાબ ન આપવો પડે તે માટે આરોપીએ પોતે જ આ લૂંટનું તર્કટ રચ્યું હતું. પોતાના મિત્ર કલ્પેશને ઈન્કમટેક્સ ઓફિસર બનાવીને અને તેના સાથે મિત્ર રોહિત સાથે લઈ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.