સુરતઃ સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરો બેફામ બની રહ્યા છે, વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકો આત્મહત્યા પણ કરી લેતા હોય છે. સુરતના કામરેજ તાલુકાના ભાજપ પ્રમુખનો પુત્ર વ્યાજખોરોના ત્રાસમાં સપડાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં વ્યાજખોરોએ નાણાંની બદલીમાં 2 દુકાનો પણ પડાવી લીધી છે. આ સમગ્ર મામલે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
સમગ્ર ઘટનાક્રમઃ કામરેજ તાલુકા ભાજપ પ્રમુખના પુત્રએ 6 વ્યાજખોરો પાસેથી અંદાજે 40 લાખથી પણ વધુની રકમ 30 થી 40%ના ઊંચા વ્યાજના દરે લીધી હતી. લાખો રૂપિયાનું વ્યાજ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોએ બળજબરી પૂર્વક 2 દુકાનો સાટાખત કરાવી લીધી હતી. હજૂ પણ વ્યાજખોરો વ્યાજની માગણી કરી શારીરિક અને માનસિક ધમકી પણ આપતા હતા. જે સંદર્ભે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
સમયાંતરે લીધા વ્યાજે નાણાંઃ કામરેજના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના પુત્ર મેહુલને 2022ના જુલાઇ મહિનામાં પૈસાની જરૂર પડી હતી. તેણે કામરેજ ચાર રસ્તા પાસે યાદગાર જ્યુસ સેન્ટર ખાતે મિત્ર કુણાલને વાત કરી હતી. કુણાલની મહિલા મિત્ર દિવ્યા પણ સાથે હોય તેણીએ મેહુલને ઉછીના પૈસા અપાવાની વાત કરી હતી. દિવ્યાએ મેહુલને 30% વ્યાજના લેખે વ્યાજખોર ભગવાન મેર પાસેથી 5 લાખ અપાવ્યા હતા. મેહુલે ભગવાન મેરને સમયાંતરે 14 લાખ રૂપિયા 30%ના વ્યાજે લીધા હતા. મેહુલને 28 લાખ જેટલું વ્યાજ ચૂકવવાનું થઈ જતા તેની પાસે વ્યાજના પૈસા ન હોવાથી દિવ્યા અને ભગવાન મેરે સાથે મળીને અન્ય 2 વ્યાજખોર રાજુભાઈ સુતરીયા અને તેમના પિતા ઠાકરશીભાઈ પાસેથી 10 લાખ રૂપિયા 30 % વ્યાજના લેખે અપાવ્યા હતા. ત્યારબાદ મેહુલ પાસે વ્યાજના પૈસા ચૂકવી શકાય તેમ ન હોવાથી મેહુલ પાસે માતા સાથેની ભાગીદારીની કામરેજ ખાતેની 2 દુકાનો વ્યાજખોરો ભગવાન મેર અને રાજુભાઇ સુતરિયાએ સાટાખત કરાવી લીધી હતી. દુકાન સાટાખત કરાવ્યા બાદ પણ પૈસાની માંગણી કારવામાં આવતી હોવાથી વ્યાજખોર દિવ્યાએ વધુ વ્યાજોના પૈસામાં ફસાવવા અન્ય બે વ્યાજે પૈસા આપતા વ્યકિતઓ પાસેથી મેહુલને રઘુ ખાટકી અને બેચર ભગત પાસેથી 13 લાખ 30% લેખે અપાવ્યા હતા.
કુલ રકમ 40 લાખ થઈ ગઈઃ મેહુલે અંદાજિત 40 લાખથી વધારે 30 થી 40% ના વ્યાજે લીધા હતા. 6 જેટલા વ્યાજખોરો પૈસા પડાવવા માટે શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતા હોય અને તેઓએ બળજબરીથી 2 દુકાન પણ સાટા ખત કરાવી લીધી હતી. કામરેજ પોલીસે તમામ 6 વ્યાજખોર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. કામરેજ પોલીસ દ્વારા પોલીસે વધુની તપાસ શરૂ કરવામાં આવી છે.
મેહુલ પટેલ દ્વારા કામરેજ પોલીસ સ્ટેશનમાં 6 વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદને આધારે આગળની તપાસ હાથ ધરી છે...ઓ.કે. જાડેજા(P.I., કામરેજ પોલીસ સ્ટેશન, સુરત)