સુરતઃ કામરેજમાં થાર કારમાં લબરમુછીયાઓને સ્ટંટબાજી કરવી ભારે પડી. પાસોદ્રા પાટીયા નજીક લબરમુછીયાઓએ થાર કારને બેફામ હંકારી. આ કારની ટક્કર એક બાઈક સાથે થઈ. જેમાં બાઈક સવાર દંપતિ ગંભીર રીતે ઘાયલ થયું. આ દંપતિને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયું. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ કામરેજ પોલીસ સત્વરે આવી પહોંચી. ઘટના સ્થળેથી થાર કાર, બાઈક કબ્જે લઈ 2 લબરમુછીયાઓની અટકાયત કરી.
સમગ્ર ઘટનાક્રમઃ ગત મોડી રાત્રે રમેશ સોંડાગર અને તેમની પત્ની હંસા સોંડાગર બાઈક પર વરાછાથી ખોલવડ તરફ જઈ રહ્યા હતા. પાસોદ્રા પાટીયા પાસે પૂરપાટ ઝડપે આવેલ થાર કાર(નં. જીજે-૧૯-ઈઈ-૭૫૨૨)ના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબૂ ગુમાવી બાઈક સવાર દંપતિને અડફેટે લીધું હતું. રસ્તા પર પટકાતા દંપતિની લોહીલુહાણ થઈ ગયું હતું. લોકોના ટોળાએ થાર ચાલક સહિત અંદર સવાર લબરમૂછિયાઓ પકડી પાડયા હતા. ઘવાયેલા દંપતિને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું.
પોલીસ કાર્યવાહીઃ પાસોદ્રા પાટીયા પાસે સર્જાયેલા અકસ્માતને પગલે લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. થારમાં સવાર અન્ય 3 ઘટના સ્થળેથી ભાગી છુટ્યા હતા. જ્યારે થાર ચાલક કેવિન અને તેના મિત્ર મયુરને સ્થાનિક લોકોએ પકડી પાડી પોલીસને હવાલે કર્યો હતો. કામરેજ પોલીસે સુરત યોગીચોકના રહેવાસી ૧૯ વર્ષીય મયૂર સોલંકી સહિત અન્ય 1 લબરમૂછિયાને પોલીસ મથકે લઈ આવી હતી. પોલીસે પૂછપરછ કરતા થારના ચાલક કેવિન જયંતિ રાદડિયા ૧૯ વર્ષીય (રહે. વર્ધમાન સોસાયટી શ્યામધામ ચાર રસ્તા, યોગીચોક, સુરત) પાસે લાયસન્સ પણ ન જાણાયું હતું. પોલીસે તેની અટક કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી ૮૦થી ૯૦ની સ્પીડે કાર ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું. લબરમૂછિયાઓ સંબંધીની થાર કાર લઈને મોડી રાત્રે સીનસપાટા કરવા નીકળ્યા હતા ત્યાં અકસ્માત થતાં ભેરવાયા હતા.
બનાવની જાણ થતાં જ કામરેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે 2 યુવકોની ધરપકડ કરી હતી. કાર માલિક પાસેથી આ યુવકો લગ્નમાં જવાનું છે તેમ કહીને કાર લાવ્યા હતા. નજીકની એક ઢોંસાની દુકાનમાં રહેલ સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના પણ કેદ થઈ ગઈ હતી...ઓ.કે. જાડેજા(પીઆઈ, કામરેજ પોલીસ સ્ટેશન, સુરત)