સુરતઃ SMC દ્વારા શહેરની 2000થી વધુ મિલકતધારકોને ફાયરના સાધનો વસાવવા અને ફાયરની એનઓસી લેવા માટે તાકીદ કરી હતી. બાદમાં જેમણે આ નિયમનું પાલન નથી કર્યું તેમની સામે મનપાએ કાર્યવાહી શરૂ કરી હતી. ફાયર વિભાગ દ્વારા વેસૂ ખાતે આગમ આર્કેડમાં આવેલી હેમચંદ્રાય ગુરુકુળ સંસ્કૃત પાઠશાળા સહિત લિંબાયત વિસ્તારમાં આવેલા 2 શોપિંગ સેન્ટરને પણ સિલ કરી દેવામાં આવ્યા હતા.
તમામ દુકાનોને સીલઃ દેવત રોડ પર આવેલા માધવ શોપિંગ સેન્ટરની તમામ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા હતા. આ સાથે મહારાણા પ્રતાપ ચોક ખાતે આવેલા રાજ એમ્પાયર નામના શોપિંગ સેન્ટરની સૌથી વધુ દુકાનોને ફાયર વિભાગ દ્વારા સીલ મારી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના સાધનોનો આગ્રહ રાખી અનેક વખત કાર્યવાહી કરવામાં આવી હતી. અનેક સંસ્થાને સીલ મારવામાં પણ આવ્યા હતાં. જોકે હજુ પણ એવું જોવામાં આવી રહ્યું છે કે, અનેક સંસ્થાઓ ફાયર સેફ્ટીના નિયમો મુદ્દે ઉદાસીન વલણ અપનાવે છે જે જોખમી છે.
2 વખત નોટિસને અવગણીઃ પાલિકાના ફાયર વિભાગે આ પાઠશાળાના સંચાલકોને ઈમરજન્સી એક્ઝિટ માટે 2 વખત નોટિસ આપ્યા બાદ ફાયર એન.ઓ.સી. માટે જણાવાયું હતું, પરંતુ સંચાલકો દ્વારા લેખિત કે મૌખિક કોઈ પ્રકારનો ખુલાસો કરવામા આવ્યો ન હતો જેના કારણે આજે આ મિલ્કતો પણ સલ કરવામા આવી છે.પાલિકાની વારંવારની તાકીદ છતાં પણ ફાયર સેફ્ટીની સુવિધા ન રાખનારા શોપિંગ સેન્ટર અને ગુરુકુળ સહિતની મિલ્કતો સીલ કરવામાં આવી હતી.