સુરત : રાંદેરના મોરાભાગળ વિસ્તારમાં ટ્યુશન ક્લાસ ચલાવતી એક યુવતી સાથે લગ્ન કરવાની જીદ કરી રહેલા યુવકે યુવતીને ગળા, છાતીના ભાગે અને ગુપ્ત ભાગે ચપ્પુના ઘા ઝીંકી નાસી ગયો હતો. યુવતી લગ્ન માટે તૈયાર નહીં થતાં આરોપી યુવકે તેની ઉપર જીવલેણ હુમલો કર્યો હતો તે સમયે યુવતીની માતા પણ સાથે હતી. યુવકે યુવતીની માતા ઉપર પણ હુમલો કર્યો હતો. બંને ઈજાગ્રસ્ત યુવતી અને તેની માતાને સારવાર માટે રામનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જહાંગીરપુરા પોલીસે હુમલો કરનાર યુવકની ધરપકડ કરી લીધી છે.
બંને વચ્ચે સોશિયલ મીડિયા થકી ઓળખ થઈ હતી અને બંને એક એકબીજા સાથે વાત કરવા લાગ્યા હતા. આરોપી પ્રતીક યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો. યુવતી જ્યારે માતા સાથે પસાર થઈ રહી હતી ત્યારે તે યુવતી સાથે વાત કરવા માંગતો હતો. પરંતુ યુવતીએ વાત કરવાની ના પાડતા તેણે ગળા તેમજ છાતી અને ગુપ્ત ભાગે તેમજ યુવતી અને માતાને પણ છાતીના ભાગે ચપ્પુના ઘા મારીને નાસી ગયો હતો.બનાવ અંગે જહાંગીરપુરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને પ્રતીક મનોજ પટેલની ધરપકડ કરી લીધી હતી...આર. બી. ઝાલા ( એસીપી )
પરિચય બાદ લગ્નનું દબાણ : જહાંગીરપુરા વિસ્તાર ખાતે રહેતી 23 વર્ષીય યુવતી પિતાની સાથે મોરાભાગળ કેનાલ રોડ પર ટ્યુશન કલાસીસ ચલાવે છે. છ મહિના અગાઉ તેનો પરિચય ઈન્સ્ટગ્રામ પર પ્રતીક મનોજ પટેલ સાથે પરિચય થયો હતો. તે પછી બંને વચ્ચે પ્રેમ થયો હતો અને પ્રતીકે યુવતીને લગ્ન કરી લેવા માટે દબાણ કર્યું હતું, જોકે યુવતી તેની સાથે લગ્ન કરવા માંગતી નહોતી તેમ છતાં પણ પ્રતીક તેને વારંવાર હેરાન પરેશાન કરતો હતો. પ્રતીકે યુવતીને એમ કહ્યું હતું કે તું લગ્ન નહીં કરશે તો હું એસિડ પીને આત્મહત્યા કરી લઈશ, જેથી યુવતી તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ હતી.
લગ્ન ફોક કરી દીધા : પ્રતીક અને તેના સબંધીઓ અલથાણ વિસ્તારમાં આવેલા એક મંદિરમાં લઈ ગયા હતા અને હારતોરા કરીને યુવતી અને પ્રતીકના લગ્ન થઇ ગયા હોવાનું કહ્યું હતું. બાદમાં નાનપુરા ખાતે પણ નોટરીને ત્યાં લઈ જઈને યુવતી પાસે સહીઓ કરાવી હતી. તે પછી યુવતીએ આ વાત તેના ઘરમાં કહી હતી તેના પિતાએ તપાસ કરાવતા પ્રતીકે યુવતી અને તેના લગ્ન બાબતની કોઈ સત્તાવાર નોંધ કરાવી નહોતી હોવાનું જણાતા યુવતીએ પ્રતીક સાથેના લગ્ન ફોક કરી દીધા હતા. ફરીથી તે લગ્ન કરવા માંગતી નહોતી. જેની અદાવત રાખીને રાત્રીના સમયે યુવતી જયારે એકટીવા પર તેની માતાની સાથે જહાંગીરપુરા સંગીનીયા ગાર્ડન પાસેથી પસાર થઈ રહી હતી તે સમયે બાઈક પર આવેલા પ્રતીકે ચપ્પુ વડે યુવતીના ગળા પર પહેલો વાર કર્યો હતો.