સુરત: એક વર્ષ પહેલાં બિહારના ખોડાવન્દપુર જીલ્લાના છૌડાહી ગામમાં એક યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. ત્યાંની પોલીસ માટે પણ આ કેસ ઉકેલવો મુશ્કેલ હતો. કારણ કે, આરોપીઓ યુવકની હત્યા કર્યા બાદ તેને જમીનમાં દાટીને ફરાર થઈ ગયો હતો. આખરે 20 દિવસ બાદ યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને પછી પોલીસ યુવકની ઓળખ કરવાની સાથે આરોપીઓની શોધખોળમાં લાગી ગઈ હતી.
એક વર્ષે ઝડપાયો હત્યાનો આરોપી: બિહારના છૌડાહી ગામમાં રહેતા રોહિની નંદન નામના યુવકની એક વર્ષ પહેલાં કુહાડીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી, જોકે પોલીસે તે સમય દરમિયાન મૃતક રોહિની નંદનનો મૃતદેહ 20 દિવસ બાદ બહાર કાઢ્યો હતો અને તેની ઓળખ કરવાની પડકારભરી કામગીરી હાથ ધરી હતી જોકે, પોલીસને DNA રિપોર્ટથી ખબર પડી હતી કે, મૃતક બેગુસરાઈના વિક્રમપુરનો રહેવાસી છે અને તેનું નામ રોહિની નંદન છે. છૌડાહી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા પરંતુ આરોપીઓ હત્યા કર્યા બાદ ત્યાંથી ભાગી છુટ્યા હતા. ત્યારે 2 જૂલાઈ શુક્રવારના રોજ સુરત ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે, બિહારથી હત્યા કરીને ભાગી આવેલો એક આરોપી સુરતના મકાઈ પુલ નજીક આવેલી દોટી વાલા બેકરી પાસે ઉભો છે. જે અનુસંધાને તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી અને આરોપીને દબોચી લીધો હતો.
સુરત પોલીસની કાર્યવાહી: આ અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચના PI કે.આઈ.મોદીએ જણાવ્યું હતું કે, 28 ઓગસ્ટ 2023ના રોજ બિહારના ખોડાવન્દપુર જિલ્લાના છૌડાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસને એક મૃતદેહ અંગે માહિતી મળી હતી, પોલીસને જાણકારી મળી હતી કે શ્યામપુર વિસ્તારમાં જમીનમાં દટાયેલો કોઈ વ્યક્તિના પગનો અંગૂઠો દેખાઈ રહ્યો છે. ઘટના સ્થળે આવેલી પોલીસે જોયું તો ખબર પડી કે વરસાદ વરસ્યો હતો અને વરસાદમાં માટીનું ધોવાણ થતા લાશ ઉપર આવી ગઈ હતી અને તે લાશના પગનો અંગૂઠો દેખાઈ રહ્યો હતો ત્યારે તાત્કાલિક ધોરણે બિહાર પોલીસે આ લાશને જમીનમાંથી બહાર કાઢી હતી, પોલીસે નોંધ્યું કે મૃતદેહના મોઢા પર કુહાડી જેવા હથિયારથી હુમલો કરાયો હતો જેના કારણે ઓળખ થાય તેવી સ્થિતિમાં ન હતી ત્યારબાદ તેઓએ આજુબાજુ વિસ્તારમાં આવો કોઈ બનાવ બન્યો છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી હતી
શા માટે કરી હતી હત્યા ?: પોલીસની પકડમાં આવેલા આરોપી રિતેશ સિંહે ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછ કરતા તેને સમગ્ર હકીકત જણાવી હતી કે ''મારા ભાઈ અને તેના સાગરીતો મૃતક રોહિની નંદનના ઘરે ચોરી કરવા ગયા હતા ત્યારે અચાનક મૃતકનો ભાઈ જાગી જતા હુમલો કર્યો હતો. આ અંગે ઇજાગ્રસ્તની માતાએ ચેરીયા બરીયાપુર પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો હતો. આ ગુનામાં સમાધાન માટે આ આરોપી વારંવાર મૃતક અને તેની માતાને દબાણ કરતા હતા પરંતુ તેઓ કોઇપણ સંજોગે માનવા તૈયાર ન હતા જેના કારણે આરોપીએ તેના સાગરીતો સાથે મળી મૃતક રોહિની નંદનને મળવા માટે બોલાવ્યો હતો અને તેનું અપહરણ કરી ગાડીમાં લઈ જઈ હત્યા નિપજાવી હતી અને તેની લાશને તેના જ ગામથી દૂર ઝાડી ઝાંખરામાં દાટી દઈ ફરાર થઈ ગયા હતા.