સુરતઃ આર્યુવેદિકના ઓથા હેઠળ નશાકારક ગોળીની હેરાફેરી કરતા એક ઈસમને સુરત એસઓજી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. આ ઈસમ થ્રી વ્હીલર ટેમ્પામાં નશાકારક ગોળીની હેરફેર કરતો હતો. પોલીસે કુલ 6.5 લાખ કિંમતની 6.5 લાખ કરતાં વધુ નશાકારક ગોળીઓ જપ્ત કરી છે.
સમગ્ર ઘટનાક્રમઃ સુરત એસઓજીએ ગોડાદરા વિસ્તારના મંગલ પાંડે હોલ પાસેથી એક થ્રી-વ્હીલ ટેમ્પો ઝડપી લીધો હતો. જેમાં તપાસ કરતા શંકાસ્પદ તરંગ નામની આર્યુવેદિક નશાકારક ગોળીઓ મળી આવી હતી. પોલીસે 6,65,600 રૂપિયાની 6, 66,650 નંગ ગોળીઓ જપ્ત કરી હતી. પોલીસે ટેમ્પા ચાલક ચંદુ લાઠીયાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ ગોળીઓ આર્યુવેદિક ઔષધીઓથી બનેલી છે અને તેનાથી થોડો નશો પણ થતો હોય છે. આ ટેમ્પો ચાલક પૈસાની લાલચે કરીયાણા સ્ટોરના માલિકને આ ગોળીઓ પહોંચાડવા જતો હતો.
નશો કરાવતી આયુર્વેદિક ગોળીઓઃ સુરત એસઓજીને એવી નશાકારક ગોળીઓ પકડવામાં સફળતા મળી છે જે આયુર્વેદિક હોવા છતાં નશાકારક છે. એક થ્રી વ્હીલર ટેમ્પાને આંતરીને તેની તપાસ કરતા પોલીસને 6,65,600 રૂપિયાની 6, 66,650 નંગ ગોળીઓ મળી આવી હતી. આ ગોળીઓની બનાવટમાં એવા તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી ઉપયોગ કરનારને નશાનો અનુભવ થતો હોવાની પોલીસને શંકા છે. પોલીસે આ ગોળીઓને પરીક્ષણ અર્થે એફએસએલમાં મોકલશે. જો એફએસએલના રિપોર્ટમાં નશાકારક દ્રવ્યોની હાજરી જણાશે તો આ કાળા કારોબારમાં સામેલ અને જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ મામલે ગોડાદરા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરીને ગોળીઓને પરીક્ષણ અર્થે એફએસએલમાં મોકલવામાં આવનાર છે. જો ગોળીઓમાં નશાકારક પદાર્થોની હાજરી જણાશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે...એ.પી. ચૌધરી(પીઆઈ, સુરત એસઓજી)