સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની ખાલી બોટલો મળવાની ઘટનાને હજુ બે અઠવાડિયા પણ નથી થયા, તેવામાં હોસ્ટેલમાં થર્ટી ફર્સ્ટની દારૂની મહેફિલ ઝડપાઈ છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સ્વામી વિવેકાનંદ હોસ્ટેલમાં 7 વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે.
યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની મહેફિલ: યુનિવર્સિટીમાં યોજાયેલા યૂથ ફેસ્ટિવલના દિવસે જ કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. આ ઘટનાને માંડ હજી 14 દિવસ થયા છે. તેવામાં બોય્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ થર્ટી ફર્સ્ટની રાત્રે દારૂ પાર્ટી કરતા ઝડપાયા છે. 2025ના નવા વર્ષને આવકારવા માટે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની હોસ્ટેલમાં 31મીની રાત્રે દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં મનોજ તિવારી, ઈન્દ્રજીત, નિરજ રાઠી, અભિન્ન કોમદ અને અન્ય બે યુવકો સામેલ હતા.
દારૂ પાર્ટી કરનાર વિદ્યાર્થીઓ વિરૂદ્ધ પોલીસ કેસ: VNSGU કેમ્પસમાં આવેલી સ્વામી વિવેકાનંદ હોસ્ટેલના 106 નંબરના રૂમમાં આ વિદ્યાર્થીઓ પાર્ટી કરી રહ્યાં હતા. તે દરમિયાન રેડ કરી વિદ્યાર્થીઓને ઝડપી પાડયા હતા. ત્યારબાદ રજિસ્ટાર આર. સી.ગઢવીને સાથે રાખીને હોસ્ટેલના તમામ રૂમોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં કેમ્પસમાં આવેલી સમરસ હોસ્ટેલમાંથી પણ એક વિદ્યાર્થી દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેને પગલે યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડા અને રજિસ્ટ્રાર ડો. આર.સી. ગઢવી દ્વારા તમામ વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ કરવાનો નિર્ણય લીધો હતો. જેને પગલે મોડી રાત્રે વેસુ પોલીસ દ્વારા દારૂડિયા વિદ્યાર્થીઓ સામે ફરિયાદ દાખલ કરી છે.
આ ઘટના અંગે કુલપતિએ જણાવ્યું હતું કે, 'હાલ તમામ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ્દ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓના હોસ્ટેલમાં એડમિશન હતા તેવા વિદ્યાર્થીઓની ડિપોઝિટ પણ જપ્ત કરવાનો નિર્ણય લેવાયો છે.'
ભૂતકાળમાં પણ હોસ્ટેલોમાં દારૂની પાર્ટીનો ફોટો વાયરલ: આ જ વિદ્યાર્થીઓ દ્વારા ભૂતકાળમાં પણ બોય્સ હોસ્ટેલના રૂમમાં દારૂ પાર્ટી કરાઈ હતી. તેવા ફોટો અને વીડિયો વાયરલ થયા છે. જેમાં બે વિદ્યાર્થીઓ ગાંજાની વાત કરી રહ્યા હતા. આ વિદ્યાર્થીઓ પાસે મોંઘી દારૂની બોટલો પણ મળી આવી હતી. જોકે સવાલ એ થાય છે કે હોસ્ટેલમાં ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ રહેતા હોય છે. ત્યારે આ વિદ્યાર્થીઓ 4000-5000 કિંમતની મોંઘી દારૂની બોટલોથી પાર્ટી કરતા હતા.
આ પણ વાંચો: