સુરત : લિંબાયતમાં શુક્રવારે રાત્રે ઘર બહાર રમતી બાળકીનું મોઢું દબાવી અપહરણ કરી જવાયું હતું. બાળકી સાથે શારીરિક અડપલા પણ કર્યા હતાં. મહોલ્લાની કિશોરીની સતર્કતાને કારણે બાળકી ઉગરી ગઇ હતી. પોલીસે આખરે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી છે.
ચોકલેટની લાલચ આપી બાળકીને દુકાને લઇ ગયો : લિંબાયત વિસ્તારમાં રહેતા કુરેશી પરિવારની પાંચ વર્ષીય બાળકી ગત 19મીએ શુક્રવારની રાત્રે આઠ વાગ્યે ઘરની બહાર રમી રહી હતી. ત્યારે વાદળી ટી-શર્ટ અને ગ્રે પેન્ટ પહેરેલી વ્યક્તિ મોઢું દબાવી અપહરણ કરી ગઇ હતી. બાદમાં ચોકલેટ અને આઇસક્રીમની લાલચ આપી એક દુકાને લઈ જઈ અડપલાં કરતો પણ સીસીટીવીમાં દેખાઈ આવ્યો હતો. ત્યાંથી તે બાળકીને લઈને જઈ રહ્યો હતો.
કિશોરીના ધ્યાને આવી બાબત : ત્યારે મહોલ્લામાં રમતી 12 વર્ષીય કિશોરીએ અજાણ્યા સાથે બાળકીને જોતાં ચોંકી હતી. આ વ્યક્તિ કોણ છે તેવું પૂછતાં આ શખ્સ બાળકીને ત્યાં જ મૂકી દઈ કલ લેને આઉંગા તેમ કહી છોડીને જતો રહ્યો હતો. આ સમગ્ર મામલે બાળકીએ પોતાના પરિવારજનોને જણાવ્યું હતું. પરિવાર સમગ્ર મામલે પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવી હતી.
મીઠાઈની દુકાનમાં નોકરી કરતો હતો : આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આઇસક્રીમની દુકાનના સીસીટીવી ફૂટેજમાં આ શખ્સ દેખાઈ આવ્યો હતો. જેના આધારે લિંબાયત પોલીસે 24 વર્ષીય અંકિતકુમાર તેજપાલસિંહની ધરપકડ કરી છે જે મૂળ રહે. બિજનોરનો રહેવાસી છે. ત્રણ મહિના પહેલાં જ તે સુરતમાં આવી મીઠાઈની દુકાનમાં નોકરી કરતો હતો. પોલીસને યુવકના મોબાઇલ ફોનમાંથી સંખ્યાબંધ અશ્લીલ ક્લીપ્સ પણ મળી આવી હતી.