સુરત: ચાંદીપુરા વાયરસને લઈને સુરતમાં તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. દક્ષિણ ગુજરાતમાંથી હાલમાં કોઈ કેસ સામે આવ્યો નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે 20 બેડનું પીડીયાટ્રીક ઈન્ટેનસીવ કેર યુનિટ હાલમાં કાર્યરત છે. તેમજ જો કોઈ આવા સંભવિત કેસો દક્ષિણ ગુજરાતમાંથી આવશે તો તેના માટે બીજા 10 બેડનું પી.આઈ.સીયુ ચાલુ કરવાની તૈયારી હાલમાં ચાલી રહી છે. પીડીયાટ્રીક ઈન્ટેનસીવ કેર યુનિટમાં જરૂરી વેન્ટીલેટર, દવાઓ, ડોક્ટરનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, સપોર્ટ સ્ટાફ, લાઈફ સેવિંગ મેડીસીન અને બીજી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે.
વેન્ટિલેટરની સુવિધાઓ અને દવાઓ ઉપલબ્ધ: જો શહેરમાં ચાંદીપુરા વાઈરસના કેસ નોંધાઈ તો લોકોને તેની કઈ રીતે સારવાર આપવી અને દર્દીઓને વધારે તકલીફ ન થાય તે માટે એક સ્પેશિયલ યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે. 30 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ માટે અલગથી ડોક્ટરોની ટીમ, વેન્ટિલેટરની સુવિધાઓ અને દવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સાથે લોકોને પણ તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે.
30 બેડ અલગથી અલાયદા શરું : નવી સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના હેડ ડોક્ટર જીગીસા પાટડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, "હાલ ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસના કેસ જોવા મળી રહ્યા છે. એમાં સાઉથ ગુજરાતમાં તૈયારીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ ખાતે 20 બેડનું પીડીયાટ્રીક ઇન્ટેન્સિવ કેર યુનિટ હાલમાં કાર્યરત છે. એની સાથે જો કોઈ આવા સંભવિત કેસ આપણી પાસે સાઉથ ગુજરાતમાંથી આવશે તો એના માટે બીજું 10 બેડનું પીડીયાટ્રીક ઇન્ટેન્સિવ કેર ચાલુ કરવાની તૈયારી અત્યારે ચાલી રહી છે. એટલે કે 30 બેડ અલગથી અલાયદા શરું કરાયા છે.