સુરત: કબ્રસ્તાનમાંથી મળી આવ્યો મૃતદેહ! આ સાંભળવામાં સામાન્ય લાગે કારણ કે કબ્રસ્તાનમાં મૃતદેહ જ હોય ને ? પરંતુ ઉમરપાડા તાલુકાના ઊચવાણ ગામના કબ્રસ્તાનમાંથી ગળાના ભાગે ઈજાઓ થયેલ હાલતમાં બે મૃતદેહ મળી આવ્યા છે. નોંધનીય બાબત એ છે કે, તાજી ખોદાયેલી કબરમાંથી આ મૃતદેહ મળ્યા છે જે કોઈ ગંભીર ગુનો થયાની સંભાવના દર્શાવે છે. પોલીસે આ બંને મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલ્યા છે.
કબ્રસ્તાનમાં તાજી ખોદાયેલ કબર: સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે આવેલ કબ્રસ્તાનમાં લીસોટા પડેલા તેમજ તાજી ખોદાયેલ કબર પર સ્થાનિકોની નજર જતાં તેમને કઈ અજગતું લાગ્યું. શંકાસ્પદ પરિસ્થિતિ લગતા તેઓએ આ મુદ્દે તુરંત જ ઉમરપાડા પોલીસને જાણ કરી હતી. વિગતો મળતા સુરત ગ્રામ્ય DYSP બી.કે વનાર, ઉમરપાડા પોલીસ મથકના પીએસઆઈ અર્જુન સાબડ અને તેમના સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. તેમણે તાજી ખોડાયેલી કબર ઉપરથી માટી કાઢવાનું શરૂ કર્યું. ખોદકામ કરતાં આ કબરની અંદરથી બે મૃતદેહ મળી આવ્યા હતા.
બંનેના શરીર પર ઇજાના નિશાન: વધુ માહિતી મળતા જાણવા મળ્યું કે, આ બંને અજાણ્યા યુવાનોના મૃતદેહોને ત્રણ ફૂટ જેટલો ખાડો ખોદી દાટી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ મૃતદેહોને બહાર કાઢી પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી ત્યારે બંનેના શરીર પર ઈજાઓના નિશાન જોવા મળ્યા હતા. જેને લઇને હાલ વધુ વિગતો જાણાવ માટે FSL ટીમની પણ મદદ લેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, બંને યુવાનની હત્યા કરી કોઈ અહીંયા મૃતદેહ દાટી ગયું છે, તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. મૃતક યુવાનો કોણ છે? કોણે તેમની હત્યા કરી? એ જાણવા પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.