સુરત: પર્વત પાટીયા ટ્રાફિક વિભાગની સેમી સર્કલ ઓફીસ પાસે બીઆરટીએસ રૂટમાં એએસઆઈ વાલજી હડીયાની કાળા કલરની કાચવાળી કારને લઈ એડવોકેટ મેહુલ બોઘરાએ વીડિયો ઉતારવાનું શરૂ કરતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો. જેથી મેહુલ બોઘરા ટોળા સાથે પુણા પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. જ્યાં બંને પક્ષોની સામ-સામે ફરીયાદ નોંધાવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો છે.
મેહુલ બોઘરાએ વીડિયો બનાવ્યોઃ સરથાણા યોગીચોક રવિવારે સવારે 11 કલાકની આસપાસ તેની સાવલિયા સર્કલ તરફ મિત્ર ફેનીલ પાનસુરીયા સાથે આંગન રેસીડેન્સીમાં રહેતા એડવોકેટ મેહુલ બોઘરા નીકળ્યા હતા. અહીં વી.આર મોલ તરફ પર્વત પાટિયા ચાર રસ્તા ઓવરબ્રિજ નીચે ટ્રાફિક શાખાની સેમી સર્કલ ઓફિસની બાજુમાં આવેલ બીઆરટીએસ કોરિડોર પાસે એક નંબર વગરની અને કાળી ફિલ્મ લગાવેસી કાર મેહુલ બોઘરાને નજરે પડી હતી. જેથી મેહુલ બોઘરાએ આ કારનો વીડિયો મોબાઈલ પર બનાવવાનું શરુ કર્યુ હતું.
ઉગ્ર બોલાચાલી થઈઃ દરમિયાન કારમાં બેસેલા ટ્રાફિક શાખા રીજીયન-રમાં ફરજ બજાવતા ASI વાલજી હડીયા અને લોક રક્ષક ભલાભાઈ શીવાભાઈ કારમાં બેઠા હતા. મેહુલ બોઘરાએ તેમને કારમાંથી નીચે ઉતરવાનું કહ્યું હતું. ત્યારબાદ વાત વણસી હતી કારનો દંડ ભરવાનું જણાવી મેહુલ બોઘરાએ વાલજી હડીયા સાથે મોટે મોટેથી વાત કરવાનું શરૂ કર્યું હતું. જેમાં બંને વચ્ચે સામ સામે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ અંગેનો વીડિયો ફેસબૂક ઉપર લાઈવ કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસ કંટ્રોલમાં પણ ફોન કરી દેવાયો હતો. જોત જોતામાં મોટી સંખ્યામાં લોકો એક્ઠા થયા અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
આ ઘટનામાં બંને પક્ષો દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઝપાઝપી થતા મેહુલ બોઘરાને પીઠના ભાગે ઈજા થઈ હતી. આ મામલે મેહુલ બોઘરા પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચતા પોલીસે મેહુલ બોઘરા જ્યારે સામા પક્ષે લોક રક્ષક ભલાભાઈ દેસાઈની ફરિયાદ લઈ રાયોટિંગ, મારા-મારી, તેમજ ધમકી આપવાનો ગુનો નોંધ્યો હતો...ભક્તિ ઠાકર(ડીસીપી, સુરત)