સુરત: શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠતા હોઈ છે. ત્યારે શ્રાવણ માસના પાવન પર્વે આજે અમે તમને દર્શન કરાવીશું. વર્ષો જૂના પૌરાણિક શિવાલયના સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ટીમ્બા ગામે આવેલું છે વર્ષો જૂનું શિવ મંદિર. આ મંદિર ગલતેશ્વર ધામ તરીકે પ્રચલિત છે. આ મંદિર પર ભક્તો ભરપૂર આસ્થા ધરાવે છે. જેને લઈ આ મંદિરે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન અર્થે આવે છે. મંદિર ભક્તોથી ઉભરાઈલું જ રહે છે. શ્રાવણ માસે સોમવારે આ ગલતેશ્વર મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. અને મંદિર ભક્તોના હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે. કામરેજના ટીમ્બા ગામે બિરાજમાન ગલતેશ્વર મહાદેવ મંદિરનો શુ છે ઇતિહાસ? આવો જાણીએ.
અતિ પ્રાચીન ગલતેશ્વર મહાદેવ મંદિર: તાપી કિનારે અને સુરત જિલ્લાનાના કામરેજ તાલુકાના ટીંબા ગામની સીમમાં અતિ પ્રાચીન ગલતેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. વર્ષો જૂનું પૌરાણિક ગલતેશ્વર મંદિરમાં સ્વયંભુ પ્રગટ થયું છે શિવ લિંગ. શ્રાવણના પવિત્ર માસે અને દર સોમવારે અહી ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. ભગવાન શિવની આરાધનામાં ભક્તો શિવમય બની ધન્યતા અનુભવે છે.
શું છે આ મંદિરનો ઇતિહાસ: કામરેજ તાલુકાના ટીંબા ગમે આવેલા ગલતેશ્વર મહાદેવનો ઈતિહાસ એવો છે કે, ભગીરથ રાજાએ પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે ગંગાજીને પ્રસ્સન કર્યા હતા અને પૃથ્વી પર પધારવા પ્રાથના કરી હતી, પરંતુ સૂર્ય પુત્રી તાપી માતાનો પ્રભાવ જોઈ ગંગાજીએ પૃથ્વી પર પધારવાની ના પાડી ત્યારે શંકર ભગવાને નારદજીને તાપી માતાનું માહાત્મીય (પવિત્રતા) હરિ લાવવા માટે પૃથ્વી પર મોકલ્યા હતા. નારદજીએ પૃથ્વી પર આવી તપ અને પ્રાથના કરી તાપી માતાને પ્રસ્સન કર્યા. તાપી માતાએ પ્રસ્સન થઇ નારદજીને વરદાન માંગવા કહ્યું ત્યારે વરદાન રૂપે નારદજીએ તાપી માતાનો માહાત્મીય માંગ્યો.
હર્ષનું જે બિંદુ પડે છે ત્યાં ગલતેશ્વર મહાદેવ: તાપી માતાએ નારદજીને વરદાન સ્વરૂપે પોતાનું મહાત્મા તો આપ્યું, પરંતુ વરદાન મળતાની સાથે જ નારદજી ભયભીત થઇ ગયા અને તેમને શરીર પર સફેદ ડાઘ એટલે કે કૃસ્ત રોગ થયો. નારદજી પોતાના પિતા ભ્રમ્હાજી પાસે એજ અવદશામાં ગયા પણ ભ્રમ્હાજીએ નીશ્ચેય બાળકને મોઢું જોવાની પણ ના પાડી દીધી અને સમાધિમાં લીન થઇ ગયા. નારદજી મનોમંથન પછી શંકર ભગવાન પાસે ગયા અને હકીકત જણાવી શ્રી ભોળા નાથે નારદજીને ફરીથી તપ કરવા જણાવ્યું અને કહ્યું તાપી માતા દયાળુ છે એટલે અવશ્ય પ્રસન્ન થશે એટલે નારદજી તાપી તટે ગયા અને ગંગાજીનું તપકરી ગંગા મૈયાને આહ્વાન આપ્યું. નારદજીના તપના પ્રભાવથી ગંગાજી પ્રગટ થયા અને તાપી માતા પ્રસન્ન થયા. પરિણામે નારદજી પણ રોગ મુક્ત થયા. ત્યારે રોગ મુક્ત થતા હર્ષનું જે બિંદુ પડે છે તેનું બાણ બને છે અને ત્યાં ગલતેશ્વર મહાદેવની સ્થાપન કરવામાં આવે છે.
ગલતેશ્વર નામ ધારી શંકર ભગવાન પોતે બિરાજમાન: કામરેજ તાલુકાના ટીંબા ગામે આવેલું અતિ પોરાણિક ગલતેશ્વર મહાદેવ મંદિર એક તીર્થ સ્થાન છે. જ્યાં ત્રિવેણી નદી નારદી ગંગા, ગોમતી ગંગા, અને સૂર્ય પુત્રી તાપી માતાનો સંગમ છે. એટલે જ આ તીર્થ સ્થાનનું મહત્વ પ્રયાગરાજ નાશિક ત્યમબ્કેશ્વર જેટલું જ માનવામાં આવે છે. જેનો ઉલ્લેખ તાપી પુરાણમાં પણ જોવા મળે છે. કહેવાઈ છે કે, અહી કૃસ્ત (કોઢ) રોગના ભોગ બનેલા ભક્તો પણ મોટી સંખ્યામાં આવે છે અને આ ત્રિવેણી નદીમાં શ્રદ્ધા પૂર્વક સ્નાન કરે છે. ભગવાન ગલતેશ્વર મહાદેવના દર્શન કરી જે મનુષ્ય પ્રાથના અને ભક્તિ કરે છે તે ભક્ત ફરીવાર ગર્ભવાસમાં આવતો નથી અને જન્મ જન્માંતરના ફેરાથી મુક્ત બની મોક્ષ પ્રાપ્ત કરે છે. સાથે જ જે ભક્ત કૃસ્ત રોગનો ભોગ બન્યો હોય તો નદીમાં સ્નાન કરવાથી કૃસ્તરોગથી મુક્તિ પણ પામે છે. મહાસુદ પૂનમના દિવસે નારદજીએ પૂર્ણ મનોબળ પ્રાપ્ત કર્યું હતું અને તેથી જ મહાસુદ પૂનમને દિવસે તાપી નદીમાં સ્નાન કરનાર ભક્તો મહાપુણ્ય અર્જિત કરે છે. જ્યાં ગંગાજી અને તાપી માતાનું સંગમ થયું ત્યાં યોગ અને મોક્ષ આપનાર ગલતેશ્વર નામ ધારી શંકર ભગવાન પોતે જ બિરાજમાન છે. આ પવિત્ર સંગમ પર તૃષાથી પીડિત મનુષ્ય એક ઘુટળો જલપાન કરે તો પાપોના ધ્યેય સાથે સૂર્યલોકમાં પ્રયાણ કરે છે.
અહીં પિતૃદોષની પૂજા પણ ભક્તો કરાવે છે: કામરેજના ટીંબા ગામે આવેલા ગલતેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. તાપી નદીના કિનારે રમણીય વાતાવણમાં આવેલા આ મંદિરે ભક્તોના મનને શાંતિ પણ મળે છે. જેને લઇ મોટી સંખ્યા ભક્તો અહી આવે છે અને મંદિરમાં બિરાજમાન ગલતેશ્વર મહાદેવની આરાધનામાં લીન થઇ જાય છે. એવું પણ કહેવાઈ છે કે, ગલતેશ્વર મહાદેવના દર્શન કરવાથી ભક્તોની જે મનોકામના હોય છે તે પણ અહી પૂર્ણ થાય છે. તેથી જ આ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ગલતેશ્વર મહાદેવ મંદિરના તાપી નદીના તટ પર ત્રિવેણી નદીનો સંગમ હોવાથી અહીં પિતૃદોષની પૂજા પણ ભક્તો કરાવે છે.
12 જ્યોતિલિંગના દર્શન કર્યા હોવાની અનુભૂતિ: ગ્રામજનો દ્વારા ગલતેશ્વર મહાદેવ મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું. જેમાં ગામજનોના સહભંડોળે મંદિરના પરિષદમાં 61 ફૂટ ઉચી શિવજીની પ્રતિમા મુકવા આવી છે. જે પ્રતિમાની અંદર ભારતના 12 જ્યોતીલીંગ સાથે સ્ફટિક અને અમરનાથનું શિવલિંગ આબેહુબ બનાવવામાં આવ્યું છે. ત્યારે શ્રાવણના પવિત્ર માસે ભક્તો ભારતના 12 જ્યોતિલિંગના દર્શન અહી કરે છે. ભક્તો ભારતના 12 જ્યોતિલિંગના દર્શન કર્યા હોવાની અનુભૂતિ પણ અહી કરે છે. ત્યારે 12 જ્યોતિલિંગના દર્શન કરવા માટે દુર દુરથી ભક્તો અહી ઉમટે છે.
મંદિરની બિલકુલ બાજુમાં 19 ગામોની સ્મશાન ભૂમિ: મંદિરના ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ઘણી સેવાઓ અહી પૂરી પાડવામાં આવે છે. દરરોજ ભક્તો માટે ભંડારો ચાલે છે. જેમાં ભક્તો વિના મુલ્યે ભોજનનો લાભ લે છે. સાથે જ સીનીયર સીટીઝન અથવા વિકલાંગ ભક્તો માટે પણ અહી વિલ ચેરની સેવાઓ પૂરી પાડવામાં આવે છે જેથી ભક્તો શાંતિ પૂર્વક દર્શન કરી શકે. મંદિરની બિલકુલ બાજુમાં 19 ગામોની સ્મશાન ભૂમિ આવેલી છે. આ ટ્રસ્ટ આદિવાસી લોકોને વિના મુલ્યે અગ્નિ સંસ્કાર કરવાની સેવા પૂરી પડી રહી છે.
ગ્રામજનો આ મંદિર પર ભરપુર આસ્થા ધરાવે: ટીંબા ગામે આવેલા ગલતેશ્વર મહાદેવ મંદિર ઉપર ભક્તો ભરપુર વિશ્વાસ ધરાવે છે. જેથી આ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. શ્રાવણ માસમાં આ મંદિર શિવ ભક્તોથી ઉભરાયેલું રહે છે. વળી એવું પણ કહેવાઈ છે કે, મંદિરમાં બિરાજમાન ગલતેશ્વર મહાદેવના આશીર્વાદથી ટીંબાગામના લોકો પણ આજે સુખી સંપન્ન છે. ત્યારે ટીંબાના ગ્રામજનો પણ આ મંદિર પર ભરપુર આસ્થા ધરાવે છે.