સુરતઃ 14 વર્ષીય સગીરાને વધુ પગારની લાલચ આપીને સુરતથી રાજસ્થાન લઈ જવાઈ હતી. રાજસ્થાનમાં પરાણે તેને દેહવ્યાપારમાં ધકેલી દેવાનો કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. અમરોલી પોલીસે માનવ તસ્કરીનો પર્દાફાશ કર્યો છે.
સમગ્ર ઘટનાક્રમઃ સુરત શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા ઉત્તર પ્રદેશના પરિવારની 14 વર્ષે દીકરી ટેક્સટાઈલ માર્કેટમાં કપડા કટિંગનું કામ કરતી હતી. મોનિરા નામક આરોપીએ સગીરાને બ્યુટી પાર્લરમાં કામ કરીને મહિને 25થી 30 હજારની કમાણીની લાલચ આપી હતી. સગીરાએ બ્યુટી પાર્લરમાં કામ કરવાની હા પાડી હતી. ત્યારબાદ આરોપી મોનિરા તેને પોતાના રૂમે લઈ ગઈ હતી. અહીં સગીરાને નાના કપડાં પહેરાવી ડાન્સ કરાવ્યો હતો. આ ડાન્સના વીડિયોઝ પણ બનાવી લીધા હતા. આ વીડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. ધમકીથી ભયભીત થયેલી સગીરાને આરોપી રાજસ્થાન લઈ ગઈ હતી. રાજસ્થાનમાં આવેલા ડેકાણાની હોટલમાં દીપેશ દવેએ તેની પાસે દેહ વિક્રય કરાવ્યું હતું. દીપેશ દવે, હોટલના મેનેજર સલીમ, સેદુલ આરીફ સહિત સાહિબ સગીરા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું પોલીસ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસ કાર્યવાહીઃ 8 માર્ચના રોજ સુરત શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી ઉત્તર પ્રદેશના પરિવારની 14 વર્ષે દીકરી અચાનક ગુમ થઈ ગઈ હતી. પોલીસે અપરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે 26 વર્ષીય મોનિરા ખાતુનની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં આરોપી મોનિરા ખાતુને કબુલ્યું હતું કે, તેણીએ આ સગીરાને દેહ વિક્રયના ધંધામાં ધકેલી હતી. આ સાથે પોલીસે 28 વર્ષીય સેદુલ મોલાની પણ ધરપકડ કરી હતી. તેની પત્ની મોહીમા, 21 વર્ષીય રાહુલ, 24 વર્ષીય સમીર અને 30 વર્ષીય આરીફ ખાનની રાજસ્થાનથી ધરપકડ કરાઈ છે. હાલ પોલીસ સાહિબ નામના વ્યક્તિની શોધખોળ કરી રહી છે.
સગીરાને બ્યુટી પાર્લરના કામની લાલચ આપી આરોપી મહિલા દ્વારા દેહ વિક્રેયમાં ધકેલવામાં આવી હતી. પોલીસે દંપત્તિ સહિત 5 લોકોની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં અન્ય કયા લોકો સામેલ છે તે અંગેની પૂછપરછ હાથ ધરવામાં આવશે. આરોપી મોનિરાએ સગીરાના ટૂંકા કપડામાં વીડિયો પણ ઉતારી લીધા હતા. જેને વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ધમકીથી ગભરાયેલ સગીરાને આરોપી રાજસ્થાન લઈ ગઈ હતી...આર.વી.ઝાલા (એસીપી, સુરત)