સુરતઃ ગત વર્ષે એપ્રિલ મહિનામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગોલ્ડ સ્મગલિંગના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. જો કે માસ્ટરમાઈન્ડ પોલીસની પકડથી હજૂ દૂર હતો. દુબઈથી ગોલ્ડ સ્મગલિંગ કરનાર માસ્ટરમાઈન્ડની શોધખોળ પોલીસ કરી રહી હતી. પોલીસને માહિતી મળી હતી કે, દુબઈથી આ નેક્સેસને ઓપરેટ કરનાર બળદેવ ભારત આવ્યો છે. મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી અને હાલ સુરત શહેરના સરથાણા વિસ્તાર ખાતે રહેતા 30 વર્ષીય બળદેવની સુરત પોલીસે અઠવા લાઈન્સ વિસ્તારમાંથી ધરપકડ કરી છે.
મોડસ ઓપરન્ડીઃ આરોપી બળદેવ દુબઈથી ગોલ્ડ સ્મગલિંગ કરવા માટે અનેક યુવાનોને ટૂરિસ્ટ વિઝા ઉપર દુબઈ મોકલતો હતો. ત્યાંથી તેમની મારફતે 300 કિલો ગોલ્ડ સ્મગલિંગ કર્યું હોવાની પણ વાત સામે આવી છે. જોકે આ સમગ્ર મામલે પોલીસો બળદેવની પૂછપરછ કરી રહી છે. બળદેવ ગોળ ગોળ જવાબો આપી રહ્યો છે. હાલ તપાસમાં બળદેવ એ જણાવ્યું હતું કે, 3થી 4 વખત તેને કેરિયર્સ મારફતે 25થી 30 કિલો ગોલ્ડ મોકલ્યું છે. બળદેવના મોબાઈલમાં પોલીસને અલગ અલગ સોશિયલ મીડિયા એપ પણ મળી આવ્યા છે. જેના દ્વારા તે કેરીયર્સ સહિત અન્ય મળતીયા મારફતે સંપર્કમાં રહેતો હતો. એટલું જ નહિ તેના થકી તે સોનાની દાણચોરીનું આખું નેટવર્ક ચલાવતો હતો.
મોબાઈલની FSL તપાસ કરાશેઃ આ સમગ્ર મામલે ડીસીપી રાજદીપ સિંહ નકુમે જણાવ્યું હતું કે, આરોપી બળદેવ દાણચોરી નું નેટવર્ક ચલાવતો હતો. હાલ તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. જેના આધારે અમે તપાસ શરૂ કરી છે. તેના મોબાઈલને પણ FSLમાં મોકલી તેનો ડેટા રીકવર કરાશે. આરોપી બળદેવ દુબઈમાં રહેતો હતો અને દુબઈથી વાયા નેપાળ થઈ સુરત આવ્યો હતો. છેલ્લા 10 મહિનાથી તેની શોધખોળ ચાલી રહી હતી. આ સમગ્ર કેસ માટે દુબઈથી ગોલ્ડ મોકલતો હતો. માસ્ટરમાઈન્ડ બળદેવની મદદ એરપોર્ટ પર કયાં કયાં અધિકારીઓ કરતા હતા તેની પૂછપરછ પણ હવે એસઓજી દ્વારા કરવામાં આવશે.