સુરત : મચ્છરજન્ય રોગચાળાએ સુરત શહેરમાં માથું ઊંચક્યું છે. જેને લઇને સુરત આરોગ્ય વિભાગ સહિત સૌ કોઈ ચિંતામાં મુકાઈ ગયા છે. ડેન્ગ્યુના કારણે સુરતના અમરોલી વિસ્તારના એક 25 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત થયું હતું. જેને લઇને ચકચાર મચી ગઈ છે. લોકોને મોતના મુખમાં ધકેલી રહેલા ડેન્ગ્યુના કારણે અત્યાર સુધીમાં 9 લોકોના મોત થઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું હતું.
ડેન્ગ્યુથી વધુ એક મોત : ડેન્ગ્યુના કારણે વધુ એકનું મોત થયાનું સામે આવ્યું છે. સુરતના અમરોલી વિસ્તારમાં મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યના 25 વર્ષીય આત્મા બરસાતી નિશાદ રહે છે. જે ફર્નિચરનું કામકાજ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો અને છ મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા. આત્માને થોડા દિવસોથી તાવ આવતો હતો. જેને લઈને તે એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયો હતો.
હાલ સુધીમાં કુલ નવ મોત : આત્માના રિપોર્ટ કરતા તેને ડેન્ગ્યુ હોવાનું સામે આવ્યું હતું. જેથી તેની સારવાર હાજર તબીબ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ત્યારે ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કારણે એક તબીબ સહિત નવ લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ડેન્ગ્યુનો કહેર ઘટાડવા તંત્ર પણ કામે લાગી ગયું છે.
રોગચાળાએ માથું ઉચક્યું : હાલ ચોમાસું વિદાય તરફ છે. જોકે, સુરત શહેર સહિત સુરત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. સતત વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. જેને લઇને રોગચાળાએ પણ માથું ઉચક્યું છે. તેમાં પણ ખાસ કરીને ડેન્ગ્યુએ તો સુરતમાં હાહાકાર મચાવી દીધો છે. ડેન્ગ્યુના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે અને બેડ પણ ખૂટી રહ્યા છે.