વડોદરા : વાઘોડિયા તાલુકાના પાલડી ગામે શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રી નામના પ્રોસેસિંગ યુનિટમાં પુરવઠા વિભાગના દરોડા પડ્યા છે. અહીં વાઘોડિયા મામલતદાર સહિત પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી, હાલોલ મામલતદાર સાથે સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ એકમ પાસેના ઘઉંના લાઈવ સ્ટોકમાં વધઘટ જણાતા પુરવઠા વિભાગે વધુ ટીમને તપાસ અર્થે બોલાવી છે.
વડોદરામાં પુરવઠા વિભાગની રેઈડ : વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં પાલડી ગામ ખાતે પુરવઠા વિભાગે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. અહીં શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રી નામના પ્રોસેસિંગ યુનિટમાં હાજર સ્ટોકમાં વધઘટ જણાતા વધુ તપાસ અર્થે વડોદરા વિભાગની પુરવઠાની ટીમ તેમજ ગાંધીનગર પુરવઠા વિભાગની એન્ફોર્સમેન્ટ ટીમ બોલાવી વધુ ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે. જેના પગલે વાઘોડિયા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
ઘઉંના જથ્થામાં ઝોલ : ઉત્પાદિત ચીજ વસ્તુઓના ઉત્પાદન અને વેચાણ અંગેની ચકાસણી દરમિયાન ઘઉંના લાઈવ સ્ટોકમાં વધઘટ જણાઈ હતી. 200 ટન દૈનિક ઉત્પાદન કરતી એગ્રો ઇન્ડસ્ટ્રી દ્વારા બજારમાંથી તેમજ FCI સરકારી હરાજીમાંથી મોટી માત્રામાં ટનબંધ ઘઉંની ખરીદી કરી તેનું પ્રોસેસિંગ કરવાનું કામ કરવામાં આવતું હતું. પુરવઠા વિભાગ દ્વારા ઘઉંનો જથ્થો સરકારી સસ્તા અનાજમાં આવતા ઘઉંનો છે કે કેમ ? તે અંગે પણ ચકાસણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ હાલ તે અંગે તપાસ ચાલુ છે. ખરીદ કરી આવા મોટા પ્રોસેસિંગ યુનિટોમાં કટિંગ કરી આપવામાં આવેલ જથ્થો છે કે કેમ ? તે અંગે પણ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.
સઘન તપાસ શરૂ : હરાજીમાં FCI દ્વારા નાના મીલ ઉધ્યોગોને જથ્થો આપવામાં આવતો હોય છે. ત્યારે આવા નાના ઉદ્યોગ મિલો પાસે તેમની ઉત્પાદન ક્ષમતા કરતા ઘણો મોટો જથ્થો જણાઈ આવ્યો હતો. હાલમાં ત્રણ ટીમ દ્વારા આખા પ્રોસેસિંગ યુનિટના દસ્તાવેજો સહિત ઘઉંના સ્ટોકની ચકાસણી હાથ ધરવામાં આવી છે. જેથી વડોદરા, પંચમહાલ અને દાહોદ સહિતના સ્થળોએથી ખરીદ કરવામાં આવેલ જથ્થો સૈદ્ધાંતિક રીતે ખરીદ થયેલો ન હોય તેવું તપાસ દરમિયાન સામે આવ્યું હતું. આથી વડોદરા અને ગાંધીનગરથી પુરવઠા વિભાગની ટીમ બોલાવવામાં આવી છે. આ ટીમ વધુ સઘન તપાસ કરી આગળની કાર્યવાહી આરંભી છે.