ખેડા : વસો તાલુકાના પલાણા ગામે તબેલામાંથી સરકારની પૂરક પોષણ યોજનાની ખાદ્ય સામગ્રીના પેકેટ મળી આવ્યા હતા. આંગણવાડી મારફતે લાભાર્થીઓને વિતરિત કરાતા બાલ શક્તિ, પૂર્ણાશક્તિ અને માતૃશક્તિ પાવડરની 16 બેગો મળી કુલ 160 કિલો જથ્થો મળી તબેલામાંથી આવ્યો હતો. વસો પોલીસ સ્ટેશન ખાતે બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પૂરક પોષણ આહાર : સરકાર સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત પૂરક પોષણ આહાર માટે બાલ શક્તિ, માતૃશક્તિ તેમજ પૂર્ણા શક્તિ પાવડરના પેકેટ આપવામાં આવે છે. જે આંગણવાડી મારફતે લાભાર્થી 6 વર્ષ સુધીના બાળકો, કિશોરીઓ, સગર્ભા તેમજ ધાત્રી માતાઓને પૂરક પોષણ પુરૂ પાડવા માટે આપવામાં આવે છે. ત્યારે લાભાર્થી મહિલા અને બાળકોના પોષણ માટેનો આ જથ્થો તબેલામાંથી મળી આવતા જિલ્લામાં સરકારી યોજનાના અમલીકરણ પર પણ સવાલો ઉભા થયા છે.
તબેલામાં મળી સરકારી ખાદ્ય સામગ્રી : વસો તાલુકાના ઈનચાર્જ CDPO ને વસોના પલાણા ગામે આવેલ વડ ફળિયાના અમિત જયંત પટેલના તબેલામાં સરકારી યોજનાની ખાદ્ય સામગ્રીનો ગેરકાયદે સ્ટોક છે તે બાબતે માહિતી મળી હતી. સ્થળ પર પહોંચી તપાસ કરતા તબેલામાંથી પૂરક પોષણ યોજનાની ખાદ્ય સામગ્રીની કુલ 16 બેગ જેમાં 2 પૂર્ણાશક્તિ, 3 માતૃશક્તિ અને 11 બેગ બાલશક્તિના મળી રૂ. 10,200 ની કિંમતનો કુલ 160 કિલો જથ્થો મળી આવ્યો હતો. તેમજ તબેલામાંથી આ સામગ્રીની 28 ખાલી બેગ પણ મળી આવી હતી.
તબેલો કોનો છે ? તબેલાની જગ્યા પલાણાના અમિત જયંતભાઈ પટેલની હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈ આ બાબતે ઈનચાર્જ CDPO સંગીતાબેન સોલંકીએ વસો પોલીસ સ્ટેશનમાં તબેલાના માલિક અમિત જયંતભાઈ પટેલ તેમજ કરાર કરેલ અમૂલ કંપની ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમના ટેક હોમ રાશન વિતરક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદ નોંધાઈ : આ બાબતે વસો તાલુકા પંચાયતના મુખ્ય સેવિકા અને ઈનચાર્જ CDPO સંગીતાબેન સોલંકીએ જણાવ્યું કે, સરકાર સંકલિત બાળ વિકાસ સેવા યોજના હેઠળ આવતી સામગ્રીનું આંગણવાડી બહેનો મારફતે નોંધાયેલ લાભાર્થીને પહોંચાડવાની કામગીરી તેમજ ચકાસણી કરવાની હોય છે. આ સામગ્રી સરકારી યોજના હેઠળ આણંદના મોગર ગામમાં ચાલતી અમુલ કંપની સાથે કરાર કરી કંપનીના ડિસ્ટ્રિબ્યુટર દ્વારા આંગણવાડી ખાતે પહોંચાડવાની હોય છે. અમારી પૂરક પોષણ યોજનાની ખાદ્ય સામગ્રીની કુલ 16 બેગો અહીંયાથી ગેરકાયદે મળી આવી છે. જેથી આ મામલે પોલીસ ફરિયાદ કરી છે.