જૂનાગઢ: સમગ્ર રાજ્ય આગની ભઠ્ઠીમાં ફેરવાયેલું જોવા મળી રહ્યું છે. જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અકળાવનારી ગરમીમાં ખોરાકને લઈને જુનાગઢના ન્યુટ્રીશીયન ડો. નીતિ ગઢવીએ પ્રત્યેક વ્યક્તિને ગરમીના સમયમાં કેવા પ્રકારનું ખાનપાન હોવું જોઈએ તેને લઈને એક ચાર્ટ રજૂ કર્યો છે. જેના થકી આકરી ગરમીમાંથી મુક્તિ મેળવી શકાશે સાથે સાથે ગરમીના સમયમાં લોકો બીમાર પડે છે તેમાંથી પણ ચોક્કસપણે કોઈ પણ વ્યક્તિ દૂર રહી શકે છે. સામાન્ય રીતે તાપમાન વધતા જ કોઈપણ વ્યક્તિ આકુળ-વ્યાકુળ બની જતો હોય છે. આવા સમયે યોગ્ય પદ્ધતિ દ્વારા અને ઉનાળાની ઋતુને અનુકૂળ ખોરાક પદ્ધતિ અમલમાં મૂકવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ આકરી ગરમીમાંથી છૂટકારો મેળવી શકે છે.
પ્રવાહી અને વિટામીન સીને આપવું પ્રાધાન્ય: આકરી ગરમીમાંથી મુક્તિ મેળવવા માટે કોઈપણ વ્યક્તિએ આ દિવસો દરમિયાન વિટામીન સી અને પાણીને દૈનિક દિનચર્યામાં સામેલ કરવું જોઈએ. કોઈ પણ વ્યક્તિએ હિટવેવની સ્થિતિમાં વિટામીન સી યુક્ત ફળ અને રસોનું સેવન કરવાની સાથે પૂરતા પ્રમાણમાં પાણી ગ્રહણ કરવાની પણ વાત ડો નીતિ ગઢવીએ જણાવી છે. સ્વસ્થ વ્યક્તિએ સામાન્ય દિવસો દરમિયાન 3 થી 4 લીટર જેટલું પાણી પીવું જોઈએ. પરંતુ ઉનાળા અને ગરમીના દિવસો દરમિયાન તેમાં 1 થી 2 લીટરનો વધારો કરીને કોઈપણ વ્યક્તિ હીટ વેવની સ્થિતિમાં પણ પોતાના શરીરની કાળજી પ્રવાહી થકી પણ રાખી શકે છે.
ખોરાકમાં કરવો પડે ઘટાડો: ઉનાળાના આ દિવસો દરમિયાન ખોરાકમાં ઘટાડો કરવો પણ અનિવાર્ય બની જતો હોય છે. અનાજ અને અન્ય કઠોળની સાથે દિવસમાં 2 વખત લેવામાં આવતા ભોજનમાં પણ 20 ટકા જેટલો ઘટાડો કરવો અનિવાર્ય બની જતો હોય છે. જેને કારણે શરીરનુ તાપમાન જાળવી રાખવામાં મદદરૂપ બને છે. આ સિવાય ઉનાળાના દિવસો દરમિયાન ખૂબ જ સરળ અને સુપાચ્ય ખોરાક લેવાથી પણ ઉનાળાની ગરમીમાંથી રાહત મેળવી શકાય છે. વધુમાં આ દિવસો દરમિયાન શેરડીનો રસ, લસ્સી, છાશ, માટીના માટલાનું પાણીના સેવનથી ગરમીમાંથી રક્ષણ આપવા માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. જેથી કોઈપણ વ્યક્તિએ શેરડી, છાશ, માટલાનું પાણી અને ફળોના રસનું સેવન કરીને પણ ગરમીમાંથી મુક્તિ મેળવી શકે છે.
અનિવાર્ય સમય સિવાય બહાર નીકળવાનું ટાળવું : ગરમીના આ આકરા દિવસો દરમિયાન અનિવાર્ય કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને બપોરના 1:00 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી કોઈપણ વ્યક્તિએ બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ગરમીના આ દિવસો દરમિયાન બાળકો, વૃદ્ધો, અને સગર્ભા મહિલાઓએ પણ ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જેથી ગરમીના સમય દરમિયાન હીટ સ્ટ્રોકની જે શક્યતાઓ છે તેને ઘટાડી શકાય. વધુમાં ગરમીના આ દિવસો દરમિયાન ઘરની બહાર નીકળતી વખતે પ્રત્યેક વ્યક્તિએ પૂરતા પ્રમાણમાં તેની સાથે પીવાનું પાણી લઈને જ બહાર નીકળવું જોઈએ તેવું આજના ગરમીના દિવસોમાં હિતાવહ માનવામાં આવે છે.