ગીર-સોમનાથઃ આજથી વિધિવત રીતે ગીરની પ્રખ્યાત કેસર કેરીની જાહેર હરાજી તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે શરૂ થઈ છે. બપોરે 2 કલાકે શરૂ થયેલી હરાજીમાં આજે અંદાજિત 7 થી 8 હજાર 10 કિલોના કેરીના બોક્સની આવક થવા પામી છે. આજે પ્રથમ દિવસે જ જાહેર હરાજીમાં પ્રતિ 10 કિલો કેસર કેરીના સરેરાશ બજાર ભાવો 500થી 1150 સુધી મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
ગત વર્ષ કરતાં વધુ ભાવઃ આજથી કેસર કેરીની વિધીવત જાહેર હરાજી શરૂ થઈ છે. પ્રથમ દિવસે જ 7થી 8 હજાર કેરીના બોક્સની આવક થઈ છે. જેના સૌથી નીચા 500 અને ઊંચામાં 1150 જેટલા રુપિયા પ્રતિ 10 કિલોના ભાવો ખેડૂતોને મળ્યા છે. જેને કારણે ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. ગત વર્ષે નીચામાં 300 અને ઊંચામાં 700 બજાર ભાવ મળ્યા હતા પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઊંચા ભાવમાં 450 રૂપિયાનો વધારો મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
કેરીનો પાક ઓછો ઉતર્યોઃ ગત વર્ષે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની જાહેર હરાજી 20મી એપ્રિલથી થઈ હતી ત્યારે આ વર્ષે 12 દિવસ બાદ 1લી મેના દિવસે જાહેર હરાજી શરૂ કરવામાં આવી છે. ગત વર્ષે કેરીની સીઝન 60 દિવસ સુધી ચાલેલી પરંતુ આ વર્ષે તેમાં ઘટાડો થાય અને 40થી 45 દિવસમાં કેરીની સીઝન પૂર્ણ થાય તેવી પણ શક્યતાઓ છે. ગત વર્ષે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં 11 લાખ 11, 354 જેટલા 10 કિલોના બોક્સની આવક થવા પામી હતી પરંતુ આ વર્ષે કેરીનો ઉતારામાં ઉણપ અને પાછતરી કેરીના પરિણામે આ વર્ષે 4થી 5 લાખ બોક્સ સમગ્ર સીઝન દરમિયાન આવે તેવી શક્યતા છે. 1લી જૂન બાદ 10 કિલો કેસર કેરીના બજાર ભાવોમાં થોડો ઘટાડો આવી શકે છે જેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગ પણ જૂન મહિના દરમિયાન કેસર કેરીનો સ્વાદ લઈ શકશે.
ગત વર્ષે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની જાહેર હરાજી 20મી એપ્રિલથી થઈ હતી ત્યારે આ વર્ષે 12 દિવસ બાદ 1લી મેના દિવસે જાહેર હરાજી શરૂ કરવામાં આવી છે. ગત વર્ષે કેરીની સીઝન 60 દિવસ સુધી ચાલેલી પરંતુ આ વર્ષે તેમાં ઘટાડો થાય અને 40થી 45 દિવસમાં કેરીની સીઝન પૂર્ણ થાય તેવી પણ શક્યતાઓ છે...સંજય સિંગળ(એપીએમસી સચિવ, તાલાલા)